ભાવનગર શહેર અને જિલ્લામાં નિ:સ્વાર્થ માનવસેવાનું પર્યાય બનેલા સામાજિક કાર્યકર અને ’સરદાર યુવા મંડળ’ના પ્રમુખ ભરતભાઈ એ. મોણપરા છેલ્લા 14 વર્ષથી સતત અને અવિરતપણે સમાજના વંચિત, શ્રમિક અને જરૂરિયાતમંદ વર્ગની સેવા કરતા ભરતભાઈ મોણપરાએ પોતાની આગવી સેવાકીય ઓળખ ઊભી કરી છે. ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ દ્વારા છેલ્લા 14 વર્ષથી ભાવનગર શહેર તથા સમગ્ર જિલ્લામાંથી મળી આવતી બિનવારસી લાશોના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્નિસંસ્કાર કરવાની માનવતાવાદી સેવા ચલાવવામાં આવે છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ ખાતે એક દુ:ખદ ઘટનામાં દીપડા કે હિંસક પ્રાણી દ્વારા ફાડી ખાધેલા યુવાનના માત્ર અમુક અંગો જ મળી આવ્યા હતા. તે મૃતદેહના અવશેષોના અગ્નિસંસ્કાર પણ ભરતભાઈ મોણપરાએ અત્યંત સંવેદનશીલતા અને સેવાભાવ સાથે ભાવનગર ખાતે કર્યા હતા.
આ ઉપરાંત, તેમણે કોમી એકતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં પાલીતાણા ખાતેથી મળી આવેલ એક મુસ્લિમ યુવાનના મૃતદેહની દફનવિધિ માટે ભરતભાઈ મોણપરા, મહેબૂબભાઈ માંડવિયા, શફીભાઈ અને સલીમભાઈએ સાથે મળીને ભાવનગરના કંસારા કબ્રસ્તાન ખાતે સંપૂર્ણ ધાર્મિક વિધિપૂર્વક દફનવિધિ સંપન્ન કરી હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.
ભરતભાઈ મોણપરા માત્ર અંતિમક્રિયા જ નહીં પરંતુ જીવંત માનવોની તકલીફોમાં પણ સદા ઉત્સાહપૂર્વક ખડેપગે રહે છે. ભાવનગરના ભારતનગર જેવા પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં તેઓ નિયમિતપણે ગરીબ પરિવારોને રાશનકિટનું વિતરણ કરે છે. ઋતુગત સેવાકીય કાર્યોમાં પણ તેઓ અગ્રેસર રહે છે; જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ફરતા બાળકોને ચંપલનું વિતરણ, ચોમાસામાં ગરીબોને છત્રીઓનું વિતરણ, તેમજ શિયાળામાં નાના બાળકોને ગરમ કપડાં અને ફૂટપાથ પર રહેતા નિરાધાર વૃદ્ધોને ગરમ ધાબળાનું વિતરણ કરે છે. એટલું જ નહીં, ઉનાળાના આકરા દિવસો દરમિયાન સળંગ સાડા ત્રણ મહિના સુધી પ્રજાજનો માટે મફત છાસ કેન્દ્ર ચલાવીને હજારો લોકોને રાહત પહોંચાડે છે.
