ખાંભાના વાંગધ્રા ગામે જીવના જોખમે ઉંડી ખાઇમાં પટકાયેલા ઘાયલ સિંહનો જીવ બચાવાયો

ખરા અર્થમાં શેરદિલ વનકર્મી

વનકર્મીએ પાળામાંથી ઘાયલ સિંહને બહાર કાઢી જાતે પાંજરામાં મુકયો: 10 દીની સારવાર બાદ સાવજ સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કર્યો

અમરેલી જિલ્લાના ગીર વિસ્તારના ખાંભા તાલુકામાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચે સતત બનતી ઘટનાઓ વચ્ચે વનવિભાગની ટીમે વધુ એક સાહસિક અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ઘાયલ સિંહનો જીવ બચાવ્યો છે. ખાંભા તાલુકાના વાંગધ્રા ગામની સીમ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ અન્ય સિંહ સાથે થયેલી ઇનફાઇટમાં ગંભીર રીતે ઘાયલ થયેલો સિંહ 10 ફૂટ જેટલા ઊંડા પાળામાં પટકાઈ ગયો હતો. સિંહની ગંભીર સ્થિતિની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી વિગતો મુજબ, ઇનફાઇટ દરમિયાન સિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં સિંહ વાંગધ્રા ગામની સીમમાં આવેલા અંદાજે 10 ફૂટ ઊંડા પાળામાં પટકાઈ ગયો હતો. ઊંડા પાળામાં પડેલો સિંહ બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજી તરફ, ઘાયલ હોવા છતાં સિંહ અત્યંત જોખમી સ્થિતિમાં હોવાથી તેને બહાર કાઢવાનું ઓપરેશન પણ વનકર્મીઓ માટે પડકારજનક બન્યું હતું. વનવિભાગની ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાનો નિર્ણય લીધો હતો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનવિભાગના કર્મચારીઓએ ભારે સાવચેતી સાથે કામગીરી હાથ ધરી હતી. સિંહને સારવાર માટે પાંજરામાં પૂરવા માટે એક વનકર્મી વન્યપ્રાણી માટેના પાંજરામાં પ્રવેશ્યો હતો અને જોખમ વચ્ચે સિંહને ગાળીયો નાખીને કાબૂમાં લીધો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન વનકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના ઘાયલ સિંહને બચાવવા માટે હિંમતપૂર્વક કામગીરી કરી હતી. 10 ફૂટ જેટલા ઊંડા પાળામાંથી સિંહને બહાર કાઢવો સરળ ન હતો. સિંહની ગંભીર ઇજાઓને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની બેદરકારી તેના માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. જેના પગલે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે 20 જેટલા વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી સિંહને પાળામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ ઘાયલ સિંહને વનવિભાગની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. સિંહની સ્થિતિ ગંભીર હોવાને કારણે નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આશરે 10 દિવસ સુધી સારવાર આપ્યા બાદ સિંહની તબિયતમાં સુધારો થતાં તેને ફરીથી કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સિંહના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનવિભાગના કર્મચારીઓએ દાખવેલી હિંમત અને સમયસરની કામગીરીને કારણે એક અમૂલ્ય વન્યજીવનો જીવ બચાવી શકાયો છે. ખાસ કરીને ગંભીર રીતે ઘવાયેલા અને 10 ફૂટ ઊંડા પાળામાં પટકાયેલા સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢી તેની સારવાર કરવી વનવિભાગ માટે પડકારજનક કામગીરી હતી. આ સમગ્ર કામગીરીની રાજ્ય સરકારના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ નોંધ લીધી હતી. વનમંત્રી દ્વારા સોશિયલ મીડિયા મારફતે વનવિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઘાયલ સિંહને સમયસર રેસ્ક્યૂ કરી સારવાર આપીને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવતા વન્યજીવ સંરક્ષણ પ્રત્યે વનવિભાગની કામગીરીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ