ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં સવા ઇંચ સુધીના વરસાદથી ખેડુતો ખુશ: મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે ઝાપટા વરસ્યા
શ્રાવણ માસના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી છે. જામનગરના ફલ્લામાં ધોધમાર સવા બે ઇંચ તથા ખાંભા પંથકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં સવા ઇંચ સુધીનો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ઝાંપટા વરસ્યા હતા. તો રાજકોટમાં સુર્યનારાયણના આકરા તાપમાં લોકો શેકાયા હતા.
એક માસના લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘસવારી આવી પહોંચી છે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી પંથકમાં બુધવારે બપોરે વરસાદ વરસ્યા બાદ આજે પણ ભાવનગર, જામનગર, અમરેલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં સવારે વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. જયારે બપોરના સમયે સુર્યનારાયણનો આકરા તાપ સહન કર્યો હતો. જો કે સાંજના સમયે વાતાવરણમાં ઠંડક રહેતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. એક કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવા મહિનાથી વધુ સમય રાહ જોવડાવ્યા પછી મેઘરાજાનું આગમન થતાં ખેતરોમાં સુકાઈ રહેલા મોલને જીવતદાન મળ્યું હતું. ફલ્લા નજીકના ખીલોસ ગામે પણ સારા વરસાદના અહેવાલ મળી રહ્યા છે.
ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે આશરે સવા વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે એકાદ કલાક સુધી વરસતા આશરે એક ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. જેથી આ વિસ્તારના લોકોએ આનંદ સાથે રાહતની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત ખંભાળિયા – સલાયા માર્ગ પર પણ આજે બપોરે આશરે 2:30 વાગ્યે સતત અડધો કલાક વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. જો કે સરકારી ચોપડે ખંભાળિયા તાલુકાનો વરસાદ શૂન્ય રહ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં બપોરે 8 મી.મી. અને ભાણવડ તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાના અનેક ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીલીયા તાલુકાના હરીપર ગામે ઘોઘમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના મહુવા રોડ પંથકમાં આવેલા વીજપડી અને ખડસલી સહિતના ગામોમાં સતત બીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.
સાવરકુંડલા તાલુકાના નેસડી, મેવાસા, શેલણા, મોટા ભમોદરા સહિતના ગામોમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા બંધાઈ છે. ખાસ કરીને વરસાદ ખેંચાતા જ્યાં પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, તેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી ખેડૂતોને થોડી રાહત મળી છે.
ખાંભા તાલુકાના ગીરકાંઠાના અનિડા, ભાડ અને મોટા સમઢિયાળા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે ધારી તાલુકાના વીરપુર, ઈંગોરાળા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ખાંભા તાલુકાના વાંકુનીધાર વિસ્તારમાં વરસાદે જોર પકડતાં ટૂંકા ગાળામાં અંદાજે 1.5 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. લાંબા વિરામ બાદ નોંધપાત્ર વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ઉપલેટામાં ઝાપટું વરસ્યું
ઉપલેટામાં ગુરૂવારે સાત મીમી વરસાદ નોંધાયો ઉપલેટા બપોરના 12 વાગ્યા વરસાદ પડેલ હતો સાત મીમી વરસાદ પડેલો હતો કુલ વરસાદ 240 મીમી થયેલ છે તાલુકાના ગામડામાં વરજાંગ જાળીયા તથા ની લાખા તથા અરણી તથા મેરવદર માં પણ જોરદાર ઝાપટા પડ્યા હતા.
