ભાવનગરમાં 1700 પોલીસ, 2205 હોમગાર્ડ અને જીઆરડી જવાનો ચૂંટણી માટે ખડેપગે

1677 મતદાન મથકમાંથી 260 સંવેદનશીલ, 12 અતિ જોખમી

રવિવાર 26 તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણી પંચ અને વહીવટી તંત્રના આયોજન મુજબ, જિલ્લાના 1152 બિલ્ડિંગોમાં કુલ 1677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 12 અતિ સંવેદનશીલ, 260 સંવેદનશીલ અને 880 સામાન્ય બૂથનો સમાવેશ થાય છે. આ તમામ મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1700 પોલીસ જવાનો, 2205 હોમગાર્ડ-જીઆરડી જવાનો અને એસઆરપીની એક કંપની ખડકી દેવામાં આવશે. આ બંદોબસ્તમાં ભાવનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ 7 ડીવાયએસપી, 2 એએસપી, ઉપરાંત મોટી સંખ્યામાં પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.
800 થી વધુ કેમેરાથી થશે મોનિટરિંગ
ભાવનગર પોલીસની સાયબર ક્રાઈમની ટીમો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે. ખાસ કરીને સિહોર, મહુવા અને પાલિતાણા સહિતના શહેરી વિસ્તારોમાં ‘નેત્ર પ્રોજેક્ટ’ હેઠળ 800થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા મતદાન પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન અફવા ફેલાવનારા કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પોલીસ તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ