ભાવનગર પંથકમાં હત્યાના વધતા બનાવ ચિત્રામાં પત્નીની હાજરીમાં જ સસરાની હત્યા કરતો જમાઇ ઘોઘામાં ઈકો ચાલકે સ્કૂટર ચાલક યુવકને કચડી નાખ્યો

ભાવનગર વિસ્તારમાં ક્રાઈમ વધતું જાય છે. મારામારીથી માંડીને હત્યાના બનાવ રોજીંદા બની ગયા છે. ચિત્રામાં પત્નીની હાજરીમાં જ સસરાની હત્યા જમાઈએ કરી હોવાનો બનાવબન્યો છે. તો ખુન કા બદલા ખુનની જેમ ઘોઘા પંથકમાં ઈકો ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લઈ હત્યા કરી હોવાના ચોકાવનારી અને હદયદ્રાવક બનાવ બન્યો છે.
ચિત્રા વિસ્તાર માં જમાઇએ પોતાની પત્નિની હાજરીમાં જ સસરા ઉપર ઇંટ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સસરાનું મોત નિપજતાં હત્યાના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી જમાઈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ખૂન ના આ બનાવ અંગેની વિગતો એવી છે કે ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દસાડીયા નામના આધેડ તેમના ઘરે હતા. જે દરમિયાન તેમની દિકરી અને જમાઈ વચાળે ચાલતા કૌટુંબિક ઝઘડા મામલે તેમની દિકરી અને જમાઇ રાકેશભાઈ બંન્ને આજે ઘરે આવેલા હતા. જે વેળાએ પરિવારની અંદર ચાલતા મતભેદ અને ઘરેલુ બોલાચાલી વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જે બાદ ઝઘડાના ઉશ્કેરાટમાં જમાઇ રાકેશ વનાભાઇ કુકળવાએ સસરા ઉપર હુમલો કરી, માથાના ભાગે ઇંટના ઘા ઝીંકી દિધા હતા. જે ઘટનામાં ગોરધનભાઇ દસાડીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં, લોહિલુહાણ હાલતે તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા અને આરોપી જમાઇ રાકેશ કુકળવા ફરાર થઈ ગયો હતો. જે ઘટનામાં ગોરધનભાઇને ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી જમાઇ રાકેશ કુકળવાને ઝડપી પાડવા તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે કૌટુંબિક અણબનાવ હત્યાનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ખુન કા બદલા ખુન
મળતી વિગતો મુજબ આજથી આશરે એક વર્ષ પહેલાં આ કામના ફરિયાદી હાર્દિકભાઈ તેમજ તેમના મિત્ર સુનીલભાઈ ઘેલાભાઈ કંટારીયાએ આ કામના આરોપી હસમુખભાઈ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારીયાના ભાઈ પિયુષભાઈ મંગાભાઈ કંટારીયાનું ખૂન કર્યું હતું. આ મર્ડર કેસ કોર્ટમાં ચાલુ હતો અને આ કેસમાં જામીન મુક્ત થઈને બહાર આવેલા હાર્દિક બટુકભાઈ કંટારીયા તેમજ સુનીલભાઈથી બદલો લેવાની ભાવના આરોપીઓ રાખી રહ્યા હતા.
ગઈકાલે ફરિયાદી હાર્દિકભાઈ તેમજ સુનીલભાઈના ભાઈ અને મરણ જનાર શાંતિભાઈ ઘેલાભાઈ કંટારીયા (ઉંમર વર્ષ 24, રહે. ભૂતેશ્વર ગામ, તા. જી. ભાવનગર) વાળા ઉપર અગાઉની હત્યાનો ખાર રાખી, તેમને જાનથી મારી નાખવાના ઈરાદે આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિભાઈ ઘેલાભાઈ કંટારીયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારીયા પોતાની એક્ટિવા મોટરસાયકલ (રજી. નં. જીજે.04.ડીડી.7302) લઈને પરત ભૂતેશ્વર તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આરોપીએ પોતાની ઇકો ફોર વ્હીલર કાર (રજી. નં. જીજે.04.સીઆર.7337) વડે પૂરા ઈરાદાપૂર્વક અને ફૂલ ઝડપે એક્ટિવા સાથે ભટકાવી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને વિન્ડશીલ્ડના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા.
આ જીવલેણ ટક્કરમાં શાંતિભાઈ ઘેલાભાઈ કંટારીયાને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવવામાં આવ્યું હતું, તેમજ ફરિયાદી અને રોનકભાઈને પણ મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસે ઇકો કારના ચાલક વિરૂદ્ધ જાણીજોઈને અકસ્માત સર્જી મોત નિપજાવવા અંગે અને હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે ભૂતેશ્વર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ