ભાવનગરમાં રૂ.1.13 લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ઝડપાયો

ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ઘરફોડ ચોરીના ગુનાઓ સામે મહત્વની સફળતા મેળવી એક રીઢા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રૂ.53 હજાર સહિત કુલ રૂ.1,13,207નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન ગારીયાધારમાં થયેલી બે અને નવસારીમાં થયેલી એક એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન એલસીબીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગારીયાધાર બાયપાસ રોડ પર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ નજીક અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઉભો છે અને તેની પાસે રોકડ રકમ તેમજ તાળા તોડવાના સાધનો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા (ઉ.વ.35) રહે. હાલ સરદાર ચોક, શિહોરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ રૂ.53 હજાર, સાબુ-શેમ્પુ, તાળા તોડવાના સાધનો, ટોર્ચ, બે મોબાઈલ ફોન અને સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ રૂ.1,13,207નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મુદ્દામાલ અંગે કોઈ સંતોષકારક આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
આરોપીની સઘન પૂછપરછમાં તેણે ગારીયાધારના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી જલારામ સાબુ સોપ નામની દુકાનમાંથી સાબુ, શેમ્પુ અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત ગારીયાધાર મેઈન બજારમાં આવેલી પારેખ પ્રોવિઝન સ્ટોર અને શેફી હાર્ડવેર નામની દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનું તેમજ આશરે બે મહિના અગાઉ નવસારી શહેરના પુષ્પાંજલી એપાર્ટમેન્ટમાં આવેલી આઈડિયા એડવાઈઝિંગ નામની ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું.
પોલીસ તપાસમાં આરોપી સામે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, સુરત, આણંદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરી, ચોરીના પ્રયાસ અને અન્ય ગુનાઓના કુલ 13થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપી દિવસ અને રાત્રિના સમયે તક મળતાં જ દુકાનો અને મકાનોના તાળા તોડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ