અમદાવાદના આંગણે તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ઈંખઅ) ના ગૌરવવંતા 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય ’ આઈએમએ નેટકોન 2025 ’ નેશનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહી હતી. ગત 27 અને 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના તબીબી જગતના દિગ્ગજો એકત્ર થયા હતા, જ્યાં તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા રત્નોને પોંખવામાં આવ્યા હતા. આ ઝળહળતા સમારોહમાં જામનગર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ તરીકે ની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરતા ડો. મનીષ એન. મહેતા ને તેમના અવિરત સેવા યજ્ઞ બદલ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.
જામનગરની જી.જી. હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં મેડિસિન વિભાગના વડા તરીકેની જટિલ અને વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાનો ભેખ ધારણ કરનાર ડો. મનીષ મહેતાને રાજ્યકક્ષાના અત્યંત પ્રતિષ્ઠિત ’ડો. જેઠાલાલ એમ. પટેલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.
આ એવોર્ડ માત્ર એક પ્રશસ્તિપત્ર નથી, પરંતુ ડો. મહેતા દ્વારા વર્ષો થી ગુજરાતના શહેરી અને છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલી નિ:સ્વાર્થ તબીબી સેવાની કદર છે. રાજ્યના શ્રેષ્ઠ સિનિયર ફિઝિશિયન તરીકેની તેમની પસંદગી એ સાબિત કરે છે કે તેમણે માત્ર હોસ્પિટલની ચાર દીવાલો વચ્ચે સીમિત ન રહેતા, સમુદાયના સ્વાસ્થ્ય ઉત્થાન માટે જે વ્યક્તિગત ધોરણે પ્રયાસો કર્યા છે, તેની નોંધ સમગ્ર મેડિકલ ફ્રેટરનીટીએ લીધી છે.
આ સન્માન જામનગરના સમગ્ર તબીબી આલમ અને ખાસ કરીને એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે ગર્વનો વિષય બન્યો છે, કારણ કે ડો. મનીષ મહેતાએ શિક્ષણ અને સારવાર બંને ક્ષેત્રે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. દર્દીને માત્ર એક કેસ તરીકે જોવાને બદલે ’દર્દીનારાયણ’ માનીને સેવા કરવાની તેમની ભાવના અને મેડિકલના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં તેમનું યોગદાન અનુપમ રહ્યું છે.
