વાડીએથી પરત ઘરે ફરી રહેલી બાળકીને ચાર-પાંચ કુતરાઓએ બચકા ભરતા મોત નિપજ્યું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે રઝળતા કુતરાઓએ 11 વર્ષની શ્રમિક પરિવારની એક બાળકીને ફાડી ખાતાં બાળકીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંક ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતિય શ્રમિક ની 11 વર્ષની પુત્રી રાજલબેન, કે જે પોતાની વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી, દરમિયાન રસ્તામાં ચાર પાંચ રસ્તે રઝળતા કુતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બટકા ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈ ને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી, અને તેણીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
આ બનાવ અંગે બાળકી ના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડના પી.એસ.આઇ.સી.બી રાંકજા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
કાલાવડના નવાગામના આધેડ
યુવાન ના લગ્ન થતાં ન હોવાથી
ઝેરી દવા પી લઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા મુકેશ લાલજીભાઈ અકબરી નામના 52 વર્ષના આઘેડ યુવાને પોતાના ગામમાં આવેલી વાડીએ જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ લાલજીભાઈ અકબરી એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ દરમ્યાન મૃતક યુવાન ઈલેક્ટ્રીક કરતો હતો, અને તેના લગ્ન થતાં ન હોવાથી તેને મનમાં લાગી આવતાં વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.
