જામનગર પંથકમાં 464 મતદાન મથક સંવેદનશીલ

39 મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયા, પોલીસનો રહેશે લોખંડી પહેરો

જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ સહિતની વિગતો આપતા જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ પત્રકાર પરિષદનું આયોજન કરી વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
આ તકે કલેકટર પી.બી.પંડ્યા એ જણાવ્યું હતું કે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા અનેક નવતર અભિગમો અપનાવવામાં આવ્યા છે, જેમાં સત્ય સાંઇ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશેષ મતદાન જાગૃતિ ગીત શહેરની 220 ગાર્બેજ કલેક્શન ગાડીઓ અને લાખોટા તળાવ જેવા જાહેર સ્થળો પર વગાડવામાં આવી રહ્યું છે. યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ સાથે બેઠક કરી તેમના દ્વારા પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા 3 લાખથી વધુ નાગરિકોને એસએમએસ મારફતે મતદાન કરવા અને મતદાન મથક શોધવા માટેની લિંક મોકલી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 148 શાળાઓના 7,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા, 25 શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી અને 1,200 થી વધુ શાળાઓમાં ક્વિઝ, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારી કચેરીઓ દ્વારા અપાતી પહોંચ પર પણ મતદાન જાગૃતિના સિક્કા લગાવી નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી રહી છે.
ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે વ્યાપક વહીવટી માળખું ગોઠવવામાં આવ્યું છે, જેમાં વર્ગ-1 અને વર્ગ-2 ના આર.ઓ.સહિતના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા તથા તાલુકા પંચાયતમાં કુલ 5,26,573 મતદારો નોંધાયા છે, જેમાં 2,74,820 પુરુષ અને 2,51,753 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો માટે 712 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પૈકી 236 મથકો સંવેદનશીલ અને 33 મથકો અતિ સંવેદનશીલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4,42,841 મતદારો નોંધાયા છે, જેમાં 2,27,364 પુરુષ અને 2,15,465 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો માટે 416 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પૈકી 213 મથકો સંવેદનશીલ અને 6 મથકો અતિ સંવેદનશીલ તરીકે જાહેર કરાયા છે.જ્યારે તમામ મતદાન મથકોની 100 ટકા ભૌતિક ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ત્યાં વીજળી, પાણી, ફર્નિચર, રેમ્પ અને ખાસ કરીને ઉનાળાની ઋતુને ધ્યાને રાખી કૃત્રિમ છાંયડા તેમજ મેડિકલ કીટની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
સુચારુ રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાય તેમજ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે કુલ 2,877 પોલીસ સ્ટાફ અને 5,499 પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. ઈ.વી.એમ. મશીનોની વિગતો મુજબ 2,642 ઇ.ઞ. અને 2,137 ઈ.ઞ. ફાળવવામાં આવ્યા છે. ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કુલ 16 જેટલા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હથિયાર જમા કરાવવા, મતદાનના 48 કલાક પહેલા પ્રચાર બંધ કરવા અને ડ્રાય ડે જાહેર કરવા જેવા આદેશોનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ વિવિધ કલમો હેઠળ અત્યાર સુધીમાં 2,547 સખશો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. મતદાનના દિવસે શ્રમિકો અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 26/04/2026 ના રોજ ખાસ રજા અથવા અવેજી રજા આપવા અંગેના આદેશો પણ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ