ટ્રાફીક પોલીસની નિષ્ક્રીયતા સામે સવાલ
જામનગર શહેરના વ્યસ્ત બેડી ગેઇટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને દરરોજ સાંજે આશરે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન વાહનોની ભારે અવરજવર વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
બેડી ગેઇટ વિસ્તારમાં ત્રણબત્તી તરફથી આવતા વાહનો, રણજીત રોડ પરથી ટાઉનહોલ તરફ જતા વાહનો, ત્રણ દરવાજા તરફથી આવતા વાહનો તેમજ ધણશરી ખાડ રોડ તરફથી પંચેશ્વર ટાવર અને સુપરમાર્કેટ વિસ્તાર તરફ જતા વાહનો એકસાથે એક જ સમયે પહોંચી જતાં માર્ગ પર ભારે દબાણ સર્જાય છે. પરિણામે ટુ-વ્હીલર, રિક્ષા, કાર અને અન્ય વાહનો વચ્ચે અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થાય છે, અને ઘણી વખત ચક્કાજામ જેવી સ્થિતિ પણ સર્જાતી જોવા મળે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે મર્યાદિત સ્ટાફ ફરજ પર હોય છે. ઘણી વખત માત્ર એક કે બે ટ્રાફિક જવાન જ હાજર હોય છે, જેમાં મહિલા કર્મચારી પણ સામેલ હોય છે. ભારે વાહનભાર સામે આટલો સ્ટાફ પૂરતો ન હોવાથી ટ્રાફિક વ્યવસ્થાનું અસરકારક સંચાલન થઈ શકતું નથી.
આ ઉપરાંત કેટલાક વેપારી સંસ્થાનો અને દુકાનોની બહાર ગ્રાહકો દ્વારા વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવતા માર્ગ વધુ સાંકડો બની જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બને છે. ઘણી વખત વાહનચાલકોને સ્વયંભૂ પોતાના વાહનો ખસેડી માર્ગ ખુલ્લો કરાવવાની ફરજ પડે છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા શહેર ટ્રાફિક શાખાને આ વિસ્તારમાં સાંજના વ્યસ્ત સમયગાળા દરમિયાન વધારાનો સ્ટાફ તૈનાત કરવા, પાર્કિંગ વ્યવસ્થાનું કડક પાલન કરાવવા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવા માંગ ઉઠી છે. બેડી ગેઇટ જેવા શહેરના અતિ વ્યસ્ત વિસ્તારમાં રોજિંદી સર્જાતી ટ્રાફિક સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો હજારો વાહનચાલકોને રાહત મળી શકે તેમ છે.
