પોલીસે મંડપ સર્વિસના મેનેજર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
જામનગર ના પોલીસ મથકે મંડપ સર્વિસના મેનેજર સામે વિશ્વાસઘાત અને ચોરી કરી મંડપનો માલસામાન વેચી નાખ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી સાગરભાઈ મોહનભાઈ શર્મા (ઉં.વ. 32), રહે. નાનકપુરી, રણજીત સાગર રોડ, જામનગર, મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, તેમણે ડિસેમ્બર 2025માં ભાવેશભાઈ હરવાણી પાસેથી આશરે રૂ. 3.50 લાખનો મંડપ સર્વિસનો માલસામાન ખરીદ્યો હતો, જે જોલી બંગલા નજીક આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.
મંડપ સર્વિસનું સંચાલન અને ગોડાઉનમાં રહેલા માલસામાનની દેખરેખ માટે ફરિયાદી એ મહેશભાઈ જીવતભાઈ રાજાણી, રહે. સાધના કોલોની, જામનગરને મેનેજર તરીકે માસિક રૂ. 20,000ના પગારે રાખ્યા હતા.
દરમિયાન જાણકારી મળી હતી કે મહેશભાઈ રાજાણીએ પોતાના મિત્ર ભરતભાઈ પરમારને રૂપિયા ચૂકવવાના હોવાથી મંડપના કેટલાક ટેબલ આપી દીધા હતા. જેના આધારે ફરિયાદીએ ગોડાઉનની તપાસ કરતાં ત્યાંથી 35 ટેબલ, લોખંડની એન્ટ્રી ફ્રેમ, લાઇટ સ્ટેન્ડ, ચાર ઝુમ્મર, વરરાજાનો સોફો, સાઇડનું સફેદ કાપડ, ત્રણ લાકડાના સોફા સેટ સહિત અન્ય મંડપનો સામાન મળી કુલ રૂ. 1.85 લાખનો માલસામાન ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદ મુજબ, આ અંગે પૂછપરછ કરતાં મહેશભાઈ રાજાણી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને ગોળમટોળ જવાબો આપ્યા હતા. તેમણે નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપી હોવા છતાં આજદિન સુધી રકમ ચૂકવી ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીએ માલસામાન ક્યાં અને કોને વેચ્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
