આવનારી પેઢીને તંદુરસ્ત રાખવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દૈનિક આહારમાં મિલેટ્સને ફરીથી સ્થાન આપવું જોઈએ: ડો. પ્રદ્યુમન વાજા
જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મેળામાં 49 જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ – વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઈટમ વગેરે પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યાં છે. તેમજ આઈ.સી.ડી.એસ., આયુર્વેદ સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પચાયત ખેતીવાડી શાખાના સંયુકત ઉપક્રમે આયોજિત મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટને જૂનાગઢના પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ ખુલ્લો મુકવાની સાથે સ્ટોલ્સ ધારકો પાસેથી તેમના ઉત્પાદનોની વિગત મેળવી હતી અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ શ્રી અન્ન એટલે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર, આદિવાસી સમાજનો સત્કાર અને કેમિકલ મુક્ત ખેતીનો આધાર છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ ખોરાકને ‘દવા’ તરીકે સ્વીકારવો પડશે. તેમણે મિલેટ્સના ફાયદાઓ વિશે જણાવતા કહ્યુ હતું કે, મિલેટસ ગ્લુટેન મુક્ત છે, જે પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ છે.તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.રાગી, બાજરી જેવા ધાન્યમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે.
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યુ હતુ કે, રાસાયણિક ખેતીથી ઉત્પન્ન ખોરાકના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ આધારિત આહાર અપનાવવાથી સ્વસ્થ જીવન શક્ય બનશે. પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો થોડીક મોંઘા લાગતા હોવા છતાં લાંબા ગાળે હોસ્પિટલ ખર્ચ અને તંદુરસ્તની તુલનામાં ખૂબ સસ્તા અને લાભદાયી સાબિત થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, પરંપરાગત આયુર્વેદીય આહાર પદ્ધતિમાં બાજરી, રાગી, કોદરી અને સાંબા જેવા જાડા ધાન્યનો સમાવેશ થતો હતો, જે આજના સમયમાં ફરી અપનાવવાની જરૂર છે. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા અને ભગવાનજી કરગટિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા કમિશનર તેજસ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, દંડક કલ્પેશભાઈ અજવાણી સહિતના પદાધિકારી, અધિકારી અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
