શિવરાત્રી મેળામાં લાખોના ખોટા ખર્ચ છતાં સુવિધાઓમાં લોલમલોલનો લલિત પરસાણાનો આક્ષેપ
જૂનાગઢમાં તાજેતરમાં યોજાયેલા.મહા શિવરાત્રી મેળાના આયોજનમાં કરાયેલા કરોડો રૂપિયાના ખર્ચમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. આ સાથે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવતા વહીવટી તંત્રએ ગોળ-ગોળ જવાબ આપીને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ ઉઠયા છે.વિપક્ષના નેતા લલિત પણસારાએ આક્ષેપ કર્યો છે કે, ગત વર્ષે ’મીનીકુંભ’ મેળામાં પ્રવાસન વિભાગે મોટાભાગનું આયોજન કર્યું હતું, અને મહાનગરપાલિકાનો ખર્ચ 2 કરોડથી પણ ઓછો હતો. આ વર્ષે 7.39 કરોડનો જંગી ખર્ચ કરવા છતાં યાત્રાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી ન હતી. કાગળ પર લાઈટિંગ અને કરિયાણું પહોંચાડવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં આ સુવિધાઓ સાધુ-સંતોના આશ્રમો કે અન્નક્ષેત્રો સુધી પહોંચી જ નથી. આથી, સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની પ્રબળ આશંકા સાથે સમગ્ર મામલે ’સ્પેશિયલ ઓડિટ’ કરવાની માંગ ઉઠી છે.
વિપક્ષ કોંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલા મેળાના આયોજન માટે શરૂઆતમાં નક્કી થયેલા અંદાજિત ખર્ચમાં સતત વધારો જોવા મળ્યો હતો, 1 જાન્યુઆરીએ 3.13 કરોડનો અંદાજ, 5 જાન્યુઆરી: 4.13 કરોડનો અંદાજ, 19 જાન્યુઆરીએ 5 કરોડનો અંદાજ, 21 જાન્યુઆરીએ 5.50 કરોડનો અંદાજ, 3 ફેબ્રુઆરીએ 6.03 કરોડનો અંદાજ અને 10 ફેબ્રુઆરીએ 7.39 કરોડનો અંતિમ ખર્ચ થયાનું સામે આવ્યું છે. આ સાથે જ્યારે આરટીઆઈ હેઠળ કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી પાસે ખર્ચની વિગતો માંગવામાં આવી, ત્યારે બંને કચેરીઓએ જવાબદારી એકબીજા પર ઢોળી દીધી હતી. અને માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. જો કે, પાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતા લલિત પરસાણા દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોથી સ્પષ્ટ કરાયું છે કે, તમામ પત્ર વ્યવહાર કલેક્ટર અને પ્રાંત કચેરીની જાણમાં જ હતા.
