આદિત્યાણા નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

1,11,000ની કિંમતની 370 બોટલ થઇ કબ્જે: લોકલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં માલ આપનાર પાસ્તરના ઇસમનું નામ ખુલતા તેની સામે પણ નોંધાયો ગુન્હો

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આદિત્યાણાના કાદા વિસ્તારમાં સ્વીફટ કારમાંથી 1,11,000ના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્શોને પકડી પાડયા હતા.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (આઇ.પી.એસ.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (આઇ.પી.એસ.) દ્વારા વખતોવખત પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા તથા હેડકોન્સ્ટેબલ હિમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ ખાનગી હકીકતના આધારે, આદિત્યાણા ગામેથી કાદા વિસ્તાર ટાટાના એરીયાની ઓફીસના બગીચા પાસેથી આરોપી ભારા ચનાભાઇ કટારા ઉ.વ. 30 રહે. સિંહજરનેશ, બાવળગામ , દિલીપ વેજાભાઇ ગુરગુટીયા, ઉ.વ. 20, રહે. આદિત્યાણા ગામ બાયપાસ રોડ, નવાપરા,, આલા ખીમાભાઇ કોડીયાતર ઉ.વ.20, રહે. બરડા ડુંગર ધ્રામણીનેશ, તેમના કબ્જા હવાલાવાળી સફેદ કલરની સુઝુકી કંપનીની સ્વીફટ કાર કિં. રૂા. 3,00,000માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કાચની કંપની શીલપેક ચપટા (નાની બોટલો) નંગ 370 ભરેલી પુઠ્ઠાના બોક્ષ નંગ 8 કિ. રૂા. 1,11,111 મળી કુલ કિ. રૂા. 4,11,000ના મુદ્ામાલ સાથે ત્રણેય આરોપીને પકડી પાડી આ દારૂનો જથ્થો આરોપી દાસા રાજાભાઇ હુણ રહે. પાસ્તર ગામ પાસેથી લઇ આવતા ચારેય આરોપી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
પકડાયેલા દારૂનું ઉત્પાદન રાજસ્થાનમાં થયુ
પોરબંદર એલ.સી.બી.ની ટીમે દારૂનો જથ્થો કબ્જે કરીને તપાસ કરતા આ દારૂનું ઉત્પાદન રાજસ્થાનમાં થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજસ્થાનના જોધપુરમાં આવેલ બોરાનાડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રાજસ્થાનના કોટપુતલી જિલ્લાના શ્યામપુર ખાતે ડીસ્ટીલ્ડ એન્ડ બોટલ્ડ બાય ગ્લોબસ સ્પીરીટ લીમીટેડ કંપનીમાં ઉત્પાદિત થયેલ આ દારૂની 370 બોટલ સહિત કાર મળી 4,11,000નો મુદ્ામાલ હાથ ધરીને એલ.સી.બી.એ. વધુ તપાસ શરૂ કરી દીધી છે.
બે મહિલા સહિત 11 શખ્સો પાસેથી મળી આવ્યો હજારો રૂપિયાનો દેશી દારૂ
પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂ પણ મોટી માત્રામાં મળી આવ્યો છે. બે મહિલા સહિત 11 શખ્શો પાસેથી હજારો રૂપિયાનો દેશી દારૂ પોલીસે કબ્જે કરી લીધો છે જેમાં વારંવાર દારૂ સાથે પકડાઇ ચૂકેલી કામદાર કલ્યાણ કેન્દ્ર પાસે કડીયાપ્લોટ શેરી નં. 1માં રહેતી સુમરીબેન જગદીશ પરમાર પાસેથી 2200 રૂા.નો દારૂ અને રાજીબેન નિલેષ ઉર્ફે ચકમક ગઢવી પાસેથી 1200 રૂા.નો દારૂ મળી આવતા બંનેને સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. નરસંગ ટેકરીના સુદામા પરોઠા પાસે રહેતા હરસુર ઉર્ફે રવિ રામ ગઢને નરસંગ ટેકરીની એકસીસ બેન્ક પાસેની ગલીમાંથી 800 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. રાણાવાવના ગોપાલપરામાં રહેતા રાજુ લાખા કેશવાલાને 1400 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો હતો. જુની દીવાદાંડી પાસે રહેતા કપીલ ભીખુ ચૌહાણ, પેરેડાઇઝ પાછળ રહેતા રાજેશ ધનજી જેબર અને પેરેડાઇઝ પાછળ રહેતા વિજય ધનજી જેબરને 140-140 રૂા.ના દારૂ સાથે પકડી લેવાયા છે. છાયાના અંબેનગર પાસે આવેલી કેનાલ પાસે રહેતા મોહન મથુર ડોડીયાને 1600 રૂા.ના દારૂ સાથે એચ.એમ.પી. કોલોનીના સાતમાળીયા પાસેથી પકડી લેવાયો છે. કુતિયાણાના રસુલવાડીમાં રહેતા ગાંગા ઉર્ફે ઝેરી નીતેશ કડછાને જાહેરપીર પાસેથી 200 રૂા.ના દારૂ સાથે, ચોલીયાણાના સલીમ કાસમ બાબરને કુતિયાણાના ચુનારીવાસના નાકેથી 200 રૂા.ના દારૂ સાથે, મોઢવાડાની રાતડા સીમમાં રહેતા કેશુ કરશન મોઢવાડીયાને બગવદર-મોઢવાડા રોડ પરથી 200 રૂા.ના દારૂ સાથે, ચીંગરીયાના નિલેશ જીવા દાસાને 1000 રૂા.ના દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ