પોરબંદર જિલ્લામાં રંગોના પર્વની જુગારના પર્વ તરીકે થતી ઉજવણીના રંગમાં ભંગ !

પોરબંદર, ખાપટ, આદિત્યાણા, સીંંધપુર અને અમરદડમાં ચાર મહિલા સહિત બાવીસ જુગારીઓ ઝડપાયા: 85 હજારની રોકડ થઇ કબ્જે: પોલીસે દિવસ-રાત કરી કામગીરી

પોરબંદર જિલ્લામાં રંગોના પર્વની જુગારના પર્વ તરીકે પાંચ જગ્યાએ ઉજવણી થતી હતી જેમાં રંગમાં ભંગ પાડીને પોલીસે ચાર મહિલા સહિત 22 જુગારીઓને 85 હજારની રોકડ સાથે પકડીને સપાટો બોલાવી દીધો છે.
પોરબંદરમાં ચાર મહિલા ઝડપાઇ
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પોરાઇ માતાજીના મંદિરથી આગળ કેટલીક મહિલાઓ જુગાર રમી રહી હતી ત્યારે કમલાબાગ પોલીસે દરોડો પાડયો હતો જેમાં એ જ વિસ્તારની સવિતા મનસુખ રાઠોડ ઉ.વ. 49, ટમુબેન જગદીશ ચુડસમા ઉ.વ.45, બીલખાના મંડલીકપુરની સવિતા વિઠ્ઠલ ઉમરેટીયા ઉ.વ. 63 અને રાણાવાવના અણીયારી ગામની ઉષા દિલીપ સોઢા ઉ.વ. 53 મળી આવી હતી જેમની પાસેથી ગંજીપત્તાના બાવન પાના ઉપરાંત 24,660ની રોકડ પણ મળી હતી.
ખાપટમાં દરોડો
ખાપટ ગામે નવાપરામાં મોમાઇ માતાજીના મઢની પાછળ જાહેરમાં જુગાર રમી રહેલ ખાપટ રબારીકેડાના મુરુ આલા મોરી, ભીમા આલા મોરી, ભીખુ લાખા મોરી, નાથા લાખા મોરી અને અરજન જેસા મોરીને પકડીને 14020ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.
આદિત્યાણાની સીમમાં દરોડો
આદિત્યાણાની દાદર સીમશાળા પાસે ખુલ્લા પટ્ટમાં રાત્રે 12:40 મિનિટે જુગાર રમી રહેલા એ જ વિસ્તારના વનરાજ રાજા ખુંટી, ભીમા મુરુ ખુંટી, લખમણ કરશન ખુંટી અને પોરબંદરના મીલપરા શેરી નં. 7માં રહેતા વૈદે રાણા ખુંટીને પકડી લીધા હતા તથા 13,300ની રોકડ કબ્જે થઇ હતી.
સીંધપુર ગામે દરોડો
સીંધપુર ગામે છેલ્લી શેરીના નાકે બોરડીના વૃક્ષ નીચે બપોરે પોણા ત્રણ વાગ્યે જુગાર રમી રહેલા એ જ વિસ્તારના રાણા મસરી કારાવદરા, ભીખુ ભીમા કારાવદરા, રામ મુરુ મોઢવાડીયા અને રાતડી ગામે કાંઠાની બાજુમાં રહેતા રામા માલદે કેશવાલા મળી આવ્યા હતા જેમની પાસેથી 16,800ની રોકડ કબ્જે થઇ હતી.
અમરદડમાં દરોડો
પોરબંદરના અમરદડ ગામે ખાંટ ફળિયામાં ચામુંડા માતાજીના મંદિર પાસે મોડી રાત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા તેવી માહિતીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા હિતેશ કાના ગોહેલ, ખોડા રામજી મકવાણા, સુરેશ લાલજી ગોહેલ, માલદે રામજી મકવાણા અને મુકેશ ભીખુ ગોહેલ મળી આવ્યા હતા. પટમાંથી 16,350ની રોકડ પણ કબ્જે થઇ હતી.

રિલેટેડ ન્યૂઝ