છેલ્લા છ મહિનામાં ગાંડીવેલનો વિકાસ ગાંડો થયો હોવા છતાં તેને અટકાવવા માટે કોઇ કાર્યવાહી થઇ નહી: ખોડિયાર મંદિરથી કર્લીપુલ અને છાયાની રઘુવંશી સોસાયટી પાછળ રીવરફ્રન્ટ વિસ્તારમાં વધી રહ્યું છે સામ્રાજ્ય: ચૂંટણીનો થાક ઉતારીને સ્થાનિક તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ
પોરબંદરમાં સુંદર જાંબલી ફૂલો પાછળ તળાવ ગૂંગળાઈ રહ્યું હોવા છતાં રેઢિયાળ તંત્ર ભર ઉંઘમાં છે.
પોરબંદર શહેરના મહત્વના કર્લી જળાશય પર જલકુંભી નામના ખતરનાક જલીય છોડે આક્રમણ કરી દીધું છે. દૂરથી જોતાં સુંદર જાંબલી ફૂલોની ચાદર પથરાયેલી લાગે, પણ હકીકતમાં આ ‘બંગાળનો આતંક’ તરીકે કુખ્યાત છોડ કર્લી તળાવના જીવને ગૂંગળાવી રહ્યો છે.કર્લી જળાશયનો મોટો ભાગ જલકુંભીથી ઢંકાઈ ગયો છે. આ છોડની ખાસિયત છે કે તે માત્ર બે અઠવાડિયામાં બમણો થઈ જાય છે અને ક્લોનિંગ દ્વારા અત્યંત ઝડપથી ફેલાય છે.
જલકુંભી એટલે
‘ધ ટેરર ઓફ બંગાળ’
જલકુંભી મૂળ દક્ષિણ અમેરિકાનો છોડ છે. 1880ના દાયકામાં બ્રિટિશ અધિકારીઓ તેના સુંદર જાંબલી ફૂલો જોઈ મોહિત થયા અને સુશોભન માટે ભારત લઈ આવ્યા. બંગાળમાં ભારે વરસાદ અને પૂરને કારણે તે હવેલીઓના તળાવોમાંથી નદીઓમાં પહોંચી ગયો. જોતજોતામાં આખા બંગાળની જળ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. હોડી વ્યવહાર બંધ થયો, માછીમારી અટકી, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો અને લાખો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. ત્યારથી તેને ‘ટેરર ઓફ બેંગાલ’ નામ મળ્યું.
કર્લી જળાશય માટે ખતરો કેમ?
ઓક્સિજન રોકે છે. જલકુંભીની જાડી ચાદર સૂર્યપ્રકાશ અને હવા પાણી સુધી પહોંચવા દેતી નથી. પરિણામે માછલીઓ અને અન્ય જળચર જીવ મરી જાય છે.પાણી સડે છે. નીચેનું પાણી સડી જાય છે અને દુર્ગંધ મારે છે.પક્ષીઓને અસર કર્લી વેટલેન્ડ યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન છે. જલકુંભીને કારણે પક્ષીઓને ખોરાક અને વિહાર માટે ખુલ્લું પાણી મળતું નથી.પાણીનું બાષ્પીભવન વધારે થાય છે, જે પાણીની અછત સર્જે છે. પર્યાવરણ પ્રેમીઓના મતે, કર્લી જેવા મહત્વના જળાશયને બચાવવા યુદ્ધના ધોરણે જલકુંભી દૂર કરવાની કામગીરી જરૂરી છે. માત્ર યાંત્રિક રીતે સતત સફાઈ જ એક ઉપાય છે. હાલ ચોમાસા પહેલા જો આ જલ-રાક્ષસને કાબૂમાં નહીં લેવાય તો કર્લી જળાશયનું અસ્તિત્વ જોખમાય શકે છે. શહેરીજનોએ પણ તંત્રને સહકાર આપી આ ‘સુંદર આતંક’ સામે જાગૃત થવાની જરૂર છે.
