પોરબંદરના ચૌટા ગામે ગીર સાંઢનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના ચૌટા ગામ ખાતે ગીર સાંઢમાં થયેલ પ્રીપ્યુશિયલ પ્રોલેપ્સની ગંભીર સમસ્યાનું સફળતાપૂર્વક ઓપરેશન કરીને પશુને નવજીવન આપવામાં આવ્યું છે.બે મોબાઇલ પશુચિકિત્સા દવાખાના (ચૌટા અને દેવડા)ની ટીમના સંયુક્ત પ્રયાસોથી આશરે એક કલાકની મહેનત બાદ મહિનાઓથી પીડાતા સાંઢને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યો હતો.આ કામગીરીમાં પશુચિકિત્સક ડો. જતિન ખોડભાયા અને ડો. ધનંજય મારૂએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.જ્યારે પાયલોટ તરીકે સુનિલ ગૈગિયા અને ભરતભાઈએ કામગીરીને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.મોબાઇલ પશુચિકિત્સા દવાખાના એ એવી વિશિષ્ટ સેવા છે, જે સ્થળ પર જ પશુઓનું મૂલ્યાંકન, સારવાર અને જરૂરી તાત્કાલિક સેવા આપવા સજ્જ છે. આ સેવા દ્વારા ઓછા સમયમાં ઝડપી અને અસરકારક સારવાર ઉપલબ્ધ બનતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોને વિશેષ લાભ મળી રહ્યો છે.ટીમ દ્વારા પ્રથમ પશુને યોગ્ય રીતે કાબૂમાં લઈને શાંતિદાયક દવા અને સ્થાનિક બેભાન કરવાની સારવાર આપવામાં આવી હતી.ત્યારબાદ સંપૂર્ણ સ્વચ્છતા સાથે સર્જરી માટેનું સ્થળ તૈયાર કરવામાં આવ્યું હતું. પશુચિકિત્સા નિષ્ણાતોની કુશળતા દ્વારા અસરગ્રસ્ત અને ચેપગ્રસ્ત ભાગને દૂર કરીને સફળ શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન બાદ ચાર દિવસ સુધી જરૂરી સારવાર અને દેખરેખ પણ રાખવામાં આવી હતી. હાલ ગીર સાંઢની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.1962 અને મોબાઇલ પશુચિકિત્સા દવાખાના કાર્યક્રમના પ્રોગ્રામ મેનેજર ડો.શોએબખાન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પરેશ પ્રજાપતિએ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આવી મોબાઇલ સેવાઓના કારણે સમયસર સારવાર શક્ય બની રહી છે અને અનેક મૂંગા પશુઓને નવજીવન મળી રહ્યું છે.આ સફળ કામગીરીને સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકો દ્વારા પણ પ્રશંસા મળી હતી.
