પોરબંદરની વિદ્યાર્થીનીએ તમિલનાડુની યુનિવર્સિટીમાં મેળવી એમ.બી.એ.ની ડિગ્રી

નવીબંદર ખારવા સમાજના આગેવાનોએ આપી શુભેચ્છા

પોરબંદરની વિદ્યાર્થીનીએ તમિલનાડુ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી છે.
પોરબંદરના નવીબંદર ખારવા સમાજ માટે ગૌરવની વાત બની છે કે,સમાજની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બંસીબેન દિલીપભાઈ તુબડિયાએ તામિલનાડુની પ્રતિષ્ઠિત વ્યવસ્થાપન શિક્ષણ સંસ્થામાં અભ્યાસ પુર્ણ કરીને વ્યવસ્થાપન ક્ષેત્રની ઉચ્ચ ડિગ્રી (એમ.બી.એ.) પ્રાપ્ત કરી છે.તેમની આ નોંધપાત્ર સિદ્ધિને પગલે સમગ્ર નવીબંદર ખારવા સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.બંસીબેને પોતાના શૈક્ષણિક જીવન દરમિયાન અથાગ મહેનત, લગન અને સમર્પણના બળે આ સફળતા હાંસલ કરી છે. વધુમાં તેઓ દેશની અગ્રણી બહુરાષ્ટ્રીય સલાહકાર અને માહિતી-પ્રૌદ્યોગિકી સેવાઓ આપતી સંસ્થામાં વ્યવસ્થાપન ક્ષેત્રના ઉચ્ચ હોદ્દા પર ફરજ સંભાળવા જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે તેમની કારકિર્દીની વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.બંસીબેન દ્વારકા-મીઠાપુર સ્થિત સરકારી ક્ધયા પ્રાથમિક શાળાના આચાર્યા આશાબેન વીરજીભાઈ પરમારની પુત્રી છે.પરિવારના ઉત્તમ સંસ્કારો, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને પોતાની અવિરત મહેનતના પરિણામે તેમણે આ ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
તેમની આ ઉપલબ્ધિ બદલ નવીબંદર ખારવા સમાજના પ્રમુખ સવજીભાઈ સ્લેટ, પોરબંદરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સેવાકર્મી વીરજીભાઈ પરમાર સહિત સમાજના અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય, ઉત્તરોત્તર પ્રગતિ અને વધુ સફળતાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.બંસીબેન તુબડિયાની આ સિદ્ધિ નવી બંદર ખારવા સમાજની દીકરીઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. ઉચ્ચ શિક્ષણ, દૃઢ સંકલ્પ અને સતત પરિશ્રમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી શકાય છે તેનો જીવંત દાખલો તેમણે પૂરું પાડ્યો છે.

રિલેટેડ ન્યૂઝ