લોકોના ધસારાને પહોંચી વળવા નિર્ણય
ભારતીય ટપાલ વિભાગ હેઠળની રાજકોટની પોસ્ટ ઓફિસોમાં હવે આધાર સેવાઓ માટેનો સમય હવે સવારે 8 થી રાત્રે 8નો નિર્ધારીત કરવામાં આવ્યો છે.
રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક ડાકઘરની સત્તાવાર યાદી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ડિવિઝન દ્વારા શહેરની વિવિધ પોસ્ટ ઓફિસોમાં આધાર સંબંધીત સેવાઓ આપવામાં આવે છે. નવા આધાર કાર્ડ, કાર્ડમાં સુધારા માટેની કામગીરી કરવામાં આવે છે. હવે નાગરિકોને વધુ સુવિધા અને સગવડ મળે તે હેતુથી ચાર પોસ્ટ ઓફિસમાં આ સેવાઓ માટેનો સમય સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી નકકી કરવામાં આવ્યો છે. હેડ પોસ્ટ ઓફિસ, ભક્તિનગર, રૈયા રોડ અને બેડીપરા સબ પોસ્ટ ઓફિસમાં આ સેવાઓ ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની ત્રણે ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસોમાં પણ આધાર કાર્ડની કામગીરી થાય છે. પરંતુ લોકોના ધસારા અને જરૂરીયાતના કારણે મનપા પર આ કામગીરીનો મોટો બોજ રહે છે. પોસ્ટ ઓફિસમાં અત્યાર સુધી સાંજે 6 સુધીનો હતો. હવે આ ચાર પોસ્ટ ઓફિસમાં સવારે 8 થી રાત્રે 8 સુધી લોકો આધાર કાર્ડને લગતી કામગીરી કરાવી શકશે. લોકો માટે આ સેવા પોસ્ટ ઓફિસમાં આ રીતે વધુ રાહતરૂપ બનશે.
