માધાપર-બેડી લોહી તરસ્યા હાઇવેએ વધુ એકનો ભોગ લીધો
રેલનગરમાં રહેતા બ્રાહ્મણ પરીવાર ઉપર આભ તૂટી પડયું, પરિવારમાં કલ્પાંત
રેલનગર હાઇવે પર કાર હડફેટે 36 વર્ષીય નિશાંત પંડ્યાનું મોત નીપજ્યું હતું. રેલનગરમાં રહેતો યુવક નોકરીની તલાસમાં હતો. તે મોરબી ઇન્ટરવ્યૂ આપવા જતો હતો અને અકસ્માત નડ્યો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. કાર ચાલક સામે ગુનો દાખલ થયો છે.
ફરિયાદમાં શૈલેષભાઈ વાસુદેવભાઈ પંડયા (ઉ.વ.69, રહે- અમૃત સરોવર, રેલનગર, રાજકોટ)એ જણાવ્યું કે, હું જીઈબીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવી વર્ષ 2017થી નિવૃત્ત જીવન જીવું છું. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે મારા ભાભી મંજુલાબેન રાજેન્દ્રભાઈ પંડયાનો મારા પત્ની પ્રિતિબેન પર ફોન આવેલ કે, તમારા દીકરા નિશાંતનો અકસ્માત થયેલ છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી રૂમમાં દાખલ કરેલ છે. જેથી તુરંત હું મારાં પત્ની પ્રીતિબેન તથા મારા ભાભી મંજુલાબેન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો આ મારા ભત્રીજા નિશાંતની સારવાર ચાલુ હતી અને તે કાંઈ બોલી શકતો ન હતો. થોડા સમય બાદ ડોક્ટરે નિશાંતનું વાહન અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે તેવી જાણ કરી હતી. અમે અકસ્માત અંગે નિશાંતને ઇજાગ્રસ્ત હાલતમાં જે 108 મારફતે લાવેલા હતા તેના ડ્રાઇવરને ફોન કરતા જાણવા મળેલ કે નિશાંતનું મોરબી બાયપાસ રોડ પર એડીબી હોટેલથી આગળ સીટી માર્ટની સામે રોડ ક્રોસ કરતી વખતે એક ફોરવ્હીલર કારના ચાલકે હડફેટમાં લેતા અકસ્માત થયેલ હતું. મેં પોતે આ સ્થળ પર જઈને જોયું તો સીટી માર્ટની સામે રોડની ગોળાઈ પર સાઈડમાં એક સફેદ કલરની બલેનો ગાડી અકસ્માત થયેલ હાલતમાં પડેલ હતી. જેના 2જી નં. જીજે 36 એએલ 1980 હતા. તેથી મેં આજુબાજુ વાળાને પૂછતા જાણવા મળેલ કે આ ગાડીના ચાલકને પોલીસ લઈ ગયેલ છે. મને ત્યાં જાણવા મળેલ કે, આ બલેનો ગાડીના ચાલકનું નામ રાજેશ અમૃતલાલ ઇન્દ્રાણા છે. બાદમાં હું સિવિલ હોસ્પિટલ આવેલ. ભત્રીજા નિશાંતનું પીએમ કરવામાં આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી.
પરિવારે જણાવ્યું કે, નિશાંત કોમ્પ્યુટર વર્ક કરતો. મેટોડાની કંપનીમાં નોકરી કરતો. પણ હાલ તેની પાસે કામ નહોતું એટલે નોકરીની તલાસમાં હતો. દરમ્યાન મોરબી રોડ પરની કોઈ કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. તે ઘરેથી નીકળ્યો અને રોડ ક્રોસ કરીને મોરબી રોડ તરફ જવાનો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. નિશાંત 1 બેન અને 1 ભાઈમાં નાનો હતો. અપરણિત હતો. તેમના પિતા હાલ નિવૃત્ત છે. ઘરના આધાર સ્તંભ સમાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
