શાસકોના 13 બાદ વિપક્ષી નેતાના 19 પ્રશ્ર્નો: બજેટ બેઠકમાં વિપક્ષ લડાયક જ રહેવાના સંકેત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા આવતીકાલે યોજાવાની છે જેમાં બજેટ પસાર થવા ઉપરાંત અન્ય કેટલાક મુદ્દાઓ ઉપરાંત તડાફડી સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કચેરીના સ્થળાંતર ખર્ચમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના વિવાદને લઇને વિપક્ષ શાસકને ભીડવે તેવી શક્યતા છે. જો પ્રશ્નોતરીમાં વિપક્ષનો વારો આવે તો સામાન્ય સભામાં તડાફડી બોલે તેવા એંધા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની મુદત આગામી 16મી માર્ચે પુરી થાય છે તે પૂર્વે આવતીકાલે યોજાનારી ખાસ સામાન્ય સભા છેલ્લી બની રહેવાની સ્પષ્ટ છે. મુખ્યત્વે નવા નાણાંકીય વર્ષમાં બજેટ મંજુર કરવા આ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ખાસ સામાન્ય સભા હોવા છતાં અંતિમ બેઠકમાં સભ્યોને કોઇ પ્રશ્નો હોય તો પુછી શકે તે આશયથી શાસકોએ પ્રશ્નોત્તરીની છુટ આપી હતી જેને પગલે શાસક અને વિપક્ષના ત્રણ સભ્યોએ 32 જેટલા પ્રશ્ન પૂછ્યા છે.
શાસક પક્ષ વિરલ પનારાના પાંચ, કારોબારી ચેરમેન પી.જી.કીયાડાના 8 અને વિપક્ષી નેતા મનસુખ સાકરીયાના 19 પ્રશ્ન છે પ્રથમ 13 પ્રશ્નો શાસકોના હોવાથી એક કલાકનો પ્રશ્નોત્તરી સમય તેમા જ પૂર્ણ થવાની શક્યતા છે. કોર્પોરેશનની જેમ જિલ્લા પંચાયતમાં પણ શાસક સભ્યોના પ્રશ્નમાં સમય પુરો કરી નાખવાનો વ્યૂહ અપનાવવામાં આવે તેવી અટકળો છે. જો કે વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ એમ કહ્યું કે પોતાના પ્રશ્નનો વારો લેવામાં નહીં આવે તો તડાફડી સર્જવાની તૈયારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષી નેતા દ્વારા જિલ્લા પંચાયતના 84 લાખના સ્થળાંતર ખર્ચ ઉપરાંત મોટી રકમમાં અપાયેલા સફાઇ ટેન્ડર જેવા મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે અને તે મામલે શાસક પક્ષને ઘેરવાનો ઇરાદો છે. આવતીકાલની બજેટ બેઠકમાં ગત કારોબારીમાં મંજુર કરાયેલું અંદાજ પત્ર પસાર કરવામાં આવશે. સામાન્ય સભાની સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા પંચાયતની આવતીકાલે સામાન્ય સભા યોજાવાની છે અને સેવા ધર્મના ભાગરુપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું કે કાલે સવારે 9 થી બપોરે 2 સુધી જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાન, કલેક્ટર કચેરીની બાજુમાં ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે. જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો, અધિકારીઓ સહિતના લોકો રક્તદાન કરીને સેવા ધર્મ બજાવશે.
