પવનપૂત્ર હનુમાનજીના જન્મોત્સવની જૂનાગઢમાં ઠેર-ઠેર ભક્તિમય ઉજવણી

મહાઆરતી, પૂજા, ભોગ, હનુમાન ચાલીસા , સુંદર પાઠ સહિત રામધૂન-ભજન- બટુક ભોજનના યોજાયા કાર્યક્રમો

ચૈત્રી પૂનમ એટલે પવનપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ હનુમાન જયંતિના પાવન પવિત્ર દિવસે સમગ્ર જૂનાગઢ મહાનગર અને ’જય જય હનુમાન’ના નાદથી ગુંજી ઉઠયુ છે. શહેરના તમામ મહોલ્લા, સોસાયટીઓમાં હનુમાનજીની ડેરીઓ અને શહેરના હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી જ, વિશેષ મહા આરતી, પૂજન, ભોગ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ સાથે રામધૂન, ભજન, બટુક ભોજનના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
ભવનાથ શ્રેત્રમાં આવેલ ઐતિહાસિક લંબે હનુમાન મંદિરે મંદિરના મહંત અર્જુનદાસ બાપુ દ્વારા આજે વહેલી સવારે 5 વાગ્યે હનુમાનજીને અંદાજે 210 કિલો બેસન, 25 ઘીના ડબ્બા, 50 કિલો ડ્રાયફ્રુટ, 4 કિલો દ્રાક્ષ, અને 2 કિલો જેટલી ઈલાયચી સહિતની સામગ્રીનો વપરાશ કરી બનાવવામાં આવેલા 21,000 લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો, અને દાદાનો વિશેષ અભિષેક અને ગુલાબના પુષ્પો દ્વારા સહસ્ત્રાચન’ વિધિ કરવામાં આવી હતી. તથા સુરતના ભક્ત પ્રવીણભાઈ જમનાદાસ સાવલિયા (ફાઈવ સ્ટાર હોન્ડા) દ્વારા 11 કિલો અને 162 ગ્રામ ચાંદીના અર્પણ કરવામાં આવેલા આભૂષણો અને નવા ચોલા ધારણ કરાવી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સવારથી શરૂ થયેલું પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે મોદી રાત્રે સુધી ચાલશે, અને રાત્રે ભવ્ય મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા હનુમાન જયંતિના પાવન પર્વે સવારે 6 થી 12 દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ત્યારબાદ સાંજે આરતી અને મહાપ્રસાદ અને રાત્રે 9 વાગ્યે શાસ્ત્રી મહોત્સવ, દર્શન અને ગીરનારી ગ્રુપ તરફથી પ્રસાદ તેમજ શાસ્ત્રી ભાવિકભાઈ પંડયાના મધુર સ્વરે સુંદરકાંડના પાઠ યોજાયા હતા.
જ્યારે જંગલ વિસ્તારમાં બિરાજતા મનોકામના સિદ્ધ સરખંડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસજી મહારાજ દ્વારા સવારથી જ દાદાની વિશેષ પૂજા, મહા આરતી, ભગવાનને 56 ભોગ અને 700 ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ 1008 લક્ષ્મી કમળ દ્વારા હનુમાનજી મહારાજને દ્રવ્ય અભિષેક અને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં દાદાના ભક્તો દર્શને આવી અહીં મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે અહીં વર્ષોથી ચાલતા અખંડ હનુમાન ચાલીસાના પાઠની સાથે આજે વિશેષ 24 કલાકની ’સીતારામ’ ધૂન શરૂ કરવામાં આવી છે.
શહેરના પંચહાટડી ચોકમાં આવેલ પ્રાચીન એવા પંચમૂખી હનુમાનજી મંદિર ખાતે સવારથી મંગળા આરતી, ચોલાનો શણગાર, અન્નકુટનો ભોગ તેમજ મહાઆરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, કાળા પાણીની સીડી પાસે આવેલ મારુતિ નંદન મંદિરે પણ હનુમાનજીને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. બાયપાસ રોડ પર આવેલ સંતકૃપા નુતન મારૂતિયામ ખાતે લાડુનો થાળ અર્પણ કરાયો હતો, અંબિકા ચોકમાં આવેલા પ્રેમભિક્ષુકજી મહારાજ પેરિત રામનામ સકિર્તન મંદિરમાં અખંડ રામધુન યોજાઇ રહી છે.
જુનાગઢ શહેરના ખૂણે-ખૂણે આવેલા હનુમાનજીના મંદિરોમાં ભક્તિભાવપૂર્વક સાધુ-સંતો અને મહેતોના સાંનિધ્યમાં હનુમાન જયંતી ઉજવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ હનુમાજીને આકડાની માળા, તેલ, અડદ, શ્રીફળ તેમજ લાડુનો ભોગ ધરી, શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ