હિતેન્દ્ર ઉર્ફે ભુરાને વડોદરા જેલ ધકેલાયો
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપી વિરૂધ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા જેલ મોકલી આપવામાં આવ્યો છે.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપીનું નામ હિતેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો દિલીપસિંહ ઝાલા (ઉં.વ. 28) છે. તે મૂળ વાંકાનેરના કરાડી ગામનો વતની છે અને હાલ કોઠારીયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહે છે. તે મજૂરી કામની આડમાં ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી હિતેન્દ્રસિંહ વિરૂધ્ધ રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત તાજેતરમાં તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર દ્વારા મંજૂરી મળતા, આરોપીની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયા અને ટીમે કામગીરી કરી હતી.
