11 છાત્રાનો આબાદ બચાવ: જોરદાર ટક્કરથી વાનની દિશા ફરી ગઇ: વાલીઓમાં ભારે રોષ
રાજકોટના રાજમાર્ગો પર સીટી બસના ચાલકોની બેફામ ગતિ જાણે યમદૂત બનીને ત્રાટકી રહી હોય તેમ વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે. શહેરના હાર્દ સમાન મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે આવતી સીટી બસે એક માસૂમ બાળકોથી ભરેલી સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 1 વિદ્યાર્થીને ઈજા પહોંચી છે, જ્યારે વાનમાં સવાર અન્ય 11 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતા વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. સવારના સમયે જ્યારે કોટક સ્કૂલની વાન બાળકોને લઈને શાળાએ જઈ રહી હતી, ત્યારે મોટી ટાંકી ચોક પાસે બેફામ ગતિએ આવતી સીટી બસના ચાલકે વાનને પાછળથી કે પડખેથી એટલી જોરદાર ઠોકર મારી હતી કે વાનની દિશા આખી ફરી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રસ્તા પર જઈ રહેલા રાહદારીઓ પણ ફફડી ઉઠ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં એક બાળકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સદનસીબે અન્ય 11 બાળકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતથી માસૂમ બાળકો ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે તંત્ર માટે સીટી બસ દ્વારા અવારનવાર સર્જાતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે. ટ્રાફિકથી ભરચક એવા મોટી ટાંકી ચોક જેવા વિસ્તારમાં આટલી ઝડપે બસ ચલાવવી કેટલી યોગ્ય?
