અંતિમયાત્રામાં રાજકીય, સામાજીક અગ્રણીઓ સહિત અનેક લોકો જોડાયા: શનિવારે સાંજે બેસણું
જનસંઘના સ્થાપક ભાજપના સ્થાપક પૈકીના એક અને વરિષ્ઠ નેતા પુર્વ સાંસદ દિગ્ગજ નેતા સ્વ. ચીમનભાઇ શુકલનાં ધર્મપત્ની મધુબેન શુકલ (ઉ.વ.97)નું આજે બપોરેે નિધન થયું હતું. મધુબેન શુકલ, કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ અને શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી અને નેહલભાઈ શુક્લના માતુશ્રી તથા સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજના કૌટુંબીક મોટાબેનનું આજે તેમના નિવાસસ્થાને અવસાન થતા શુક્લ, ભારદ્વાજ અને નથવાણી પરિવારમાં શોક છવાયો હતો. સદગતની સ્મશાનયાત્રા સાંજે 6:30 કલાકે કશ્યપભાઈ શુક્લના નિવાસ્થાન રાજગૃહી, નૂતનનગર શેરી નં.2, કાલાવડ રોડ ખાતેથી મોટા મવા મોક્ષધામ ગઇ હતી. અંતીમ યાત્રામાં કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પુર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, પુર્વમંત્રી અરવિંદભાઇ રૈયાણી, તેમજ રાજકીય અને સામાજીક અગ્રણી સહીતના અનેક લોકો જોડાયા હતા.
મધુબેનના દુ:ખદ નિધનના પગલે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે યોજવામાં આવનારી મહારેલીનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને ભાજપના તમામ નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સદગતને પુષ્પાંજલી અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા.
સ્વ.મધુબેન શુક્લને કોઇ જ બિમારી ન હતી અને સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસથી તબિયત નાદુરસ્ત રહેતી હોય ડોક્ટરને ઘરે બોલાવી હેલ્થ ચેક અપ કરાવ્યું હતું, તેમાં પણ બધુંનોર્મલ આવ્યું હતું પરંતુ અવસ્થાને કારણે અશક્તિ રહેતી હોવાનું નિદાન થયું હતું.દરમિયાન આજે બપોરે ફરી તબિયત નાદુરસ્ત થતા ડોક્ટરને હોમ વિઝિટ માટે બોલાવ્યા હતા ત્યારબાદ એકાએક તેમણે દેહ ત્યાગ કર્યો હતો. તેમનું બેસણું તા.2-5ને શનિવારે સાંજે 5 થી 7 નુતનનગર કોમ્યુનીટી હોલ કાલાવડ રોડ ખાતે રાખવામાં આવેલ છે.
અટલજી, અડવાણીજી સહિખતના નેતા મધુબેનની બનાવેલી રસોઇ અનેક વખત જમ્યા હતા
વાત્સલ્ય મૂર્તિ એવા મધુબેન ચીમનભાઈ શુક્લ પોતાને ઘરે આવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરેક સ્વયં સેવક અને તત્કાલીન સમયના જનસંઘના કાર્યકર્તાઓને અચૂક ચા પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા વિના ક્યારેય જવા દેતા ન હતા. તત્કાલિન સમયે ભાજપ વિરોધ પક્ષમાં હતો અને હાલ જેવી કોઈ સુખ સાહેબી ભાજપના નેતાઓને મળતી ન હતી. ભાજપના મોટા નેતાઓ જ્યારે પણ રાજકોટ કે સૌરાષ્ટ્ર આવે ત્યારે તેમનો મુકામ ચીમનભાઈ શુક્લના ઘરે જ રહેતો હતો. મધુબેન શુક્લ ની બનાવેલી રસોઇ ગુરુજી, અટલજી અને અડવાણીજી સહિતના નેતાઓ અનેક વખત જમ્યા હતા.
ધાર્મિક સ્વભાવના, ભજન ગાવાનો શોખ હતો
સદગત મધુબેન ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને તેમને ભજન ગાવાનો શોખ હતો, દરરોજ સવાર સાંજ તેઓ ભજન ગાતા હતા. હજુ થોડા દિવસ પૂર્વે જ તેમણે પુત્ર કશ્યપ ભાઈ પાસે બેસીને ભજન ગાયા હતા.
ચિમનભાઇ શુકલ રાજયસભા અને લોકસભાના ત્રણ વખત ચુંટાયા હતા
સ્વ.ચિમનભાઇ શુકલ ત્રણ વખત સંસદ સભ્ય રહી ચુકયા હતા. 1977થી 1980, 1993થી 1999 સહીતના વર્ષે રાજય સભા અને લોકસભાના સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ રાજકોટ નગરપાલિકા વેળાએ મધુબેન ચીમનભાઈ શુક્લ અગાઉ લોધાવાડ ચોક રજપૂત પરા વિસ્તારમાંથી ભાજપમાંથી ચૂંટણી લડેલા અને જંગી બહુમતીથી જીત્યા હતા જનસંઘ, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં મધુબેનનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
