પડધરીના ન્યારા ગામે રાજકોટની કુખ્યાત રમેશ રાણા ગેંગનો આતંક

વેપારી બંધુ પર છરીના ઘા, છુટા સોડા-બોટલના ઘા ઝીંકી ધમકી

પડધરીના ન્યારા ગામે વેપારી બંધુ પર રાજકોટની કુખ્યાત ગેંગે ઘાતકી હથિયારો સાથે જીવલેણ હુમલો કરતાં બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. દુકાન પાસે ગાળો બોલતા શખ્સોને ટપારતા જ મોડી રાતે બઘડાતી બોલી અને ઘાતકી હથિયાર સાથે ઘસી આવેલ સાતેક શખ્સોએ વેપારી બંધુને છરીના ઘા ઝીંકી છૂટી સોડા બોટલના ઘા કરી ખૂનની ધમકી આપી હતી. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. હુમલો કરનાર યશ મકવાણા કુખ્યાત ગુજસીટોકનો આરોપી રમેશ રાણાનો પુત્ર હોવાનું પણ સામે આવી રહ્યું છે. બનાવ અંગે પડધરીના ન્યારા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ વઘેરા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યસ રમેશ મકવાણા (રહે.મૂળ ગામ નાની અમરેલી, પડધરી), સમીર ગોહિલ, પૃથ્વીરાજ પરમાર (રહે. બંને રાજકોટ), મનોજ નાથા મકવાણા (રહે ન્યારા ગામ), દિલીપ સોહેલીયા (રહે.રાજકોટ) તેમજ બે અજાણ્યા શખ્સોના નામ આપતા પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો. વધુમાં ફરીયાદીએ જણાવ્યા મુજબ, પોતે ઘરની બાજુમાં જ પાન-મસાલાની દુકાન ચલાવે છે અને સાથે સાથે એક અખબાર પણ ચલાવે છે. ગઈ તા.29 ના રાત્રીના સમયે તેઓ દુકાનેથી પોતાના ઘરે જમવા માટે આવ્યાં હતાં. તે સમયે તેમના પિતા અને ભાઈ લાલજીભાઈ દુકાને હતાં. તે દરમિયાન એક બાઈક ચાલક દુકાને કોઈ વસ્તુ લેવાં માટે આવેલ ત્યારે તેની પાછળ તુરંત જ એક બાઈક સવાર ઘસી આવેલ અને બેફામ ગાળો બોલી હંગામો કર્યો હતો. જેથી દેકારો થતાં ફરીયાદી તુરંત જ ઘરની બહાર નીકળી માથાકૂટ કરતાં શખ્સોને અટકાવી ગાળો નહીં બોલવા ટપારતા તે શખ્સો ઉશ્કેરાયા હતાં અને હમણાં જ રાજકોટથી માણસો બોલાવી લાવું છું કહી તે શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. જે બાદ સવા અગીયાર વાગ્યે ફરીયાદી તેના પરીવાર સાથે ઘર પાસે હતાં ત્યારે આરોપી યશ મકવાણા સહિતના શખ્સો બાઈકમાં છરી, ધોકા, સોડા બોટલ સહિતના હથિયારો સાથે ઘસી આવેલ અને જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ ફરીયાદી અને તેમના ભાઈને છરીના ઘા ઝીંકી ધોકા વડે બેફામ મારમાર્યો હતો. તેમજ ખાલી સોડા બોટલના છુટા ઘા કરી ફરીયાદી અને તેમના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી પડધરી પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.જી.ચૌહાણ અને ટીમે તપાસનો ધમધમાટ આદરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપી યશ મકવાણા કુખ્યાત ગુજસીટોકનો આરોપી રમેશ રાણાનો પુત્ર છે.

રિલેટેડ ન્યૂઝ