ખોડલધામ સોસાયટીમાં સોલાર ફીટ કરવાના નામે પ્રૌઢા સાથે 1.48 લાખની ઠગાઇ

ઇન્ફીનિટી સોલારના માલીક સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો

કોઠારીયા રોડ પર ખોડલધામ સોસાયટીમાં રહેતા પ્રૌઢ સાથે સોલાર પેનલ ફિટ કરી આપવાના નામે ઇન્ફીનિટી સોલાર પ્રાઇવેટ લિ. ના માલિક સહિતના શખ્સોએ રૂ.1.48 લાખની છેતરપિંડી આચરતાં આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે કોઠારીયા રોડ પર ખોડલધામ સોસાયટી-7 શેરી નંબર 2 માં રહેતા નિતેશભાઇ બાબુભાઈ પીઠવા (ઉ.વ.44) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇન્ફીનિટી સોલાર પ્રાઇવેટ લિ. ના માલિક કાના મેરામ બદિયાવદરા, ધીરજ, હિરેન નાથા લાઠીયા અને ચેતન પાનખાણીયાના નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા. 28/10/ 2025 ના તેઓ મોબાઇલમાં ફેસબુક જોતા હતા તે સમયે ઇન્ફીનિટી સોલાર પ્રાઇવેટ નામની સોલાર પેનલ માટેની જાહેરાત જોઈ હતી. જેમાં દર્શાવેલા નંબર પર ફોન કરતા આ નંબર ધીરજભાઈનો હતો તેને સોલાર પેનલ ફીટ કરવાની વાત કરતા તેણે કહ્યું હતું કે, અમારી કંપની બજારભાવ કરતાં સસ્તા ભાવે સારી ક્વોલિટીની સોલાર પેનલ ફીટ કરી આપશે જેથી ફરિયાદી હા કહી હતી.
ત્યારબાદ ધીરજે વોટસએપમાં કવોટેશન મોકલ્યું હતું જે કોવોટેશન રૂ.1.48 નું હતું. આઠેક દિવસ પછી આગળની મકાનની અગાસી પર સોલાર પેનલ ફીટ કરવાની છે તેનું માપ લઈ ગયા હતા પૈસાની વાત કરતા આધેડે કહ્યું હતું કે, લોન કરાવવાની છે જેથી ધીરજે કહ્યું હતું કે, બજાજ ફાઇનાન્સમાંથી લોન થઈ જશે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સમાંથી ફોન આવ્યો હતો અને લોન બાબતે વાત કરી હતી જેથી ફરિયાદીએ પોતાનું તથા પત્નીનું આધારકાર્ડ અને પાનકાર્ડ તથા બેન્ક ડીટેઇલ અને ઘરના લાઈટ બિલના ગ્રાહક નંબર મોકલી આપ્યા હતા.
ત્યારબાદ તા. 6/11/2025 ના લોન મંજૂર થઈ હતી ત્યારે ધીરજે કહ્યું હતું કે, તમારી 80 ટકા લોન રૂ.1.31 લાખ મંજૂર થઈ ગઈ છે અને આ રૂપિયા કંપનીના એકાઉન્ટમાં આવી ગયા છે. બાકીના રૂ.16 હજાર તમારે આપવા પડશે જેથી ફરિયાદીએ 16 હજાર ટ્રાન્સફર કર્યા હતા અને ધીરજે કહ્યું હતું કે આઠેક દિવસમાં તમારા ઘરે સોલાર પેનલ ફીટ કરવાનું કામ ચાલુ થઈ જશે.
ત્યારબાદ 15 દિવસ જેટલો સમય થઈ જવા છતાં કામ ચાલુ ન થતા પ્રોઢે ધીરજભાઈને ફોન કરી કામ ક્યારે ચાલુ થશે તેમ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તમારે જે પેનલ નાખવાની છે તે હાલમાં કંપની પાસે ઉપલબ્ધ નથી, હજુ 15 એક દિવસ લાગશે. ત્યારબાદ અવારનવાર ફોન કરવા છતાં સોલાર પેનલ નાખવાનું કામ શરૂ કરવાના બદલે બહાના આપતા હતા. બજાજ ફાઇનાન્સની લોન પેટે બે હપ્તા ફરિયાદીના પત્નીના એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા છતાં પેનલ નાખી ન હોય અને ત્યારબાદ આ ધીરજે ફોન પણ બંધ કરી દીધો હતો.
બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, ઇન્ફીનિટી સોલાર પ્રાઇવેટના માલિક કાના બદીયાવદરા તથા હિરેન લાઠીયા અને ચેતન પાણખાણીયા છે. જેથી તેમણે કંપનીના માલિક ચેતનભાઇ સાથે ફોન પર વાત કરતા તેણે કહ્યું હતું કે, થોડા દિવસમાં કામ ચાલુ થઈ જશે ત્યારબાદ ફરી ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી સોલાર પેનલ ફીટ કરાવવાના બહાને રૂ.1.48 લાખની છેતરપિંડી કરનાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

રિલેટેડ ન્યૂઝ