ભાઈના સપના જોતી સગીરાને ચોથી બહેન મળતા ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યુ
રાજકોટ શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં ભાઈ મેળવવાની તીવ્ર ઝંખના અધૂરી રહેતાં એક 15 વર્ષની સગીરાએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારમાં તાજેતરમાં જ પાંચમી બહેનનો જન્મ થતાં માનસિક રીતે ભારે વ્યથિત બનેલી આ કિશોરીએ આત્મઘાતી પગલું ભર્યું હતું. છેલ્લા દસ દિવસથી જીવન અને મરણ વચ્ચે જોલા ખાધા બાદ બુધવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશોરીનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને માહોલ ગમગીન બની ગયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઠેબચડા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતી રિદ્ધિ રમેશભાઈ સરૈયા (ઉંમર વર્ષ 15) નામની સગીરા ગત તારીખ 25 મેના રોજ જ્યારે ખેરી ગામે ગઈ હતી, ત્યારે તેણે ત્યાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તેણીની તબિયત અચાનક લથડતાં આજુબાજુના લોકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક પ્રથમ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ત્યાં સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેને વધુ અને અદ્યતન સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બુધવારે સારવાર દરમિયાન તેણે આખરી શ્ર્વાસ લીધા હતા. કિશોરીના સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યા બાદ ફરજ પરના તબીબો દ્વારા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી અને હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાત્કાલિક બનાવની નોંધ કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ્ટેબલ વૈભવ મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી વિગતો સામે આવી છે. મૃતક રિદ્ધિએ માત્ર પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તેના પરિવારમાં અગાઉથી જ ચાર બહેનો હતી અને તાજેતરમાં જ માતાએ પાંચમી દીકરીને જન્મ આપ્યો હતો. રિદ્ધિ લાંબા સમયથી પોતાના પરિવારમાં એક ભાઈ આવે તેવી આશા રાખતી હતી અને તેની આ ઝંખના ખૂબ તીવ્ર હતી. પરંતુ ફરીથી બહેનનો જન્મ થતાં તે ભારે નિરાશ થઈ ગઈ હતી.
