વૈશ્વિક અશાંતિ અને ચાલતા યુદ્ધો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. યુદ્ધવિરામને લઈને તેમણે અત્યંત આકરું વલણ અપનાવતા સંકેત આપ્યા છે કે આગામી બે દિવસમાં કોઈ મોટો અને નિર્ણાયક વળાંક આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સ્થિતિ લાંબો સમય ચાલી શકે તેમ નથી. તેમણે દાવો કર્યો છે કે આગામી બે દિવસમાં યુદ્ધવિરામ અને શાંતિ પ્રક્રિયાને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ નીતિઓ દ્વારા જ સંઘર્ષનો અંત લાવી શકાય છે. તેમના આ વલણે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેના તણાવમાં અમેરિકાની ભૂમિકાને લઈને નવી અટકળો તેજ કરી છે.
ટ્રમ્પના નિવેદનમાં સૌથી ચોંકાવનારી વાત ઈરાનને લઈને હતી. તેમણે ઈરાનને તેના નિર્માણ અને વિકાસ માટે નવી તક આપવાની વાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન પાસે અપાર સંભાવનાઓ છે, પરંતુ હાલમાં ત્યાં જે પ્રકારનું શાસન છે તે અવરોધરૂપ બની રહ્યું છે. જો ઈરાન હિંસાનો માર્ગ છોડીને રચનાત્મક દિશામાં આગળ વધે, તો અમેરિકા અને વિશ્વ સમુદાય તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે.ઈરાનની વર્તમાન સ્થિતિ પર ટિપ્પણી કરતા ટ્રમ્પે દાવો કર્યો કે ત્યાં હાલમાં એક અલગ જ પ્રકારનું શાસન ચાલી રહ્યું છે જે જનતાના હિતમાં નથી. તેમનું માનવું છે કે જ્યાં સુધી કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકોને સત્તા પરથી હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવી અશક્ય છે. કટ્ટરપંથી તત્વોને દૂર કરવાથી જ માત્ર ઈરાન નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.
ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ’અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સાથે કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. હવે જ્યારે તેમણે આગામી 48 કલાકમાં મોટા ફેરફારોની આગાહી કરી છે, ત્યારે વૈશ્વિક નેતાઓની નજર તેમના આગામી ડગલાં પર છે.
