નિકાસકારોને મોટી રાહત: ટ્રમ્પ ટેરિફના 1 અબજ ડોલર પરત મળ્યા

ટેક્સ્ટાઇલ્સ, જેમ્સ-જ્વેલરીના નિકાસકારોને 8400 કરોડ પાછા મળી ગયા; હજુ વધુ નાણાં આવશે: અમેરિકી તંત્રની ‘ફટાફટ’ પ્રક્રિયા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દ્વારા લાદવામાં આવેલાં વિવાદાસ્પદ ‘ઇમરજન્સી ટેરિફ’ (વધારાની આયાત જકાત) ને અમેરિકી સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કર્યા બાદ, હવે ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (ઈઇઙ) વિભાગે જકાતના નાણાં પરત (રિફંડ) કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા હેઠળ ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સી-ફૂડ (દરિયાઈ ખોરાક) જેવા વિવિધ ક્ષેત્રોનાં ભારતીય નિકાસકારોને અત્યાર સુધીમાં 1 બિલિયન ડોલર આશરે 8,400 કરોડ રૂપિયા જેટલી રકમ પરત મળી ચૂકી છે.
આ સમગ્ર વિવાદની વાત કરીએ તો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અદાલતે ઠરાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો ટેરિફ વૈશ્વિક આયાત જકાત કાયદાની વિરુદ્ધ હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (ઈંઊઊઙઅ) રાષ્ટ્રપતિને મનસ્વી રીતે ટેક્સ નાખવાની સત્તા આપતો નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની બંધારણીય સત્તા માત્ર અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે જ છે. આથી, કોર્ટે ગેરકાયદેસર રીતે વસૂલાયેલી આ જકાત તુરંત પરત કરવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાના આ ટેરિફના કારણે ભારતીય નિકાસકારો લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ટ્રમ્પ સરકારે એપ્રિલ 2025માં ભારતમાંથી આવતી ચીજવસ્તુઓ પર પ્રારંભિક 26 ટકા વધારાની ડ્યુટી લાદી હતી, જેને ઓગસ્ટ 2025માં વધારીને 50 ટકા સુધી કરી દેવામાં આવી હતી. આ આકરા પગલાને કારણે ભારતીય માલ અમેરિકન માર્કેટમાં મોંઘો બન્યો હતો અને વેપારીઓનો નફો સાવ ઘટી ગયો હતો. ભારતમાંથી આ સમયગાળા દરમિયાન અમેરિકામાં અંદાજે 72 બિલિયન ડોલરનો માલસામાન નિકાસ થયો હતો, જેમાં સી-ફૂડ અને ટેક્સટાઈલ સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો હતો.
રિફંડ મેળવવાની ટેકનિકલ પ્રક્રિયા થોડી જટિલ છે, કારણ કે અમેરિકી નિયમો મુજબ રિફંડની રકમ સીધી ભારતીય નિકાસકારોના ખાતામાં આવતી નથી. કસ્ટમ્સ વિભાગ આ નાણાં અમેરિકાનાં એ જ રજિસ્ટર્ડ આયાતકાર (ઇમ્પોર્ટર ઓફ રેકોર્ડ) ને ચૂકવે છે જેમણે માલ મંગાવતી વખતે આ જકાત ભરી હતી. તેથી ભારતીય નિકાસકારોએ પોતાની રકમ પાછી મેળવવા માટે અમેરિકાનાં ખરીદદાર પર નિર્ભર રહેવું પડે છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અત્યાર સુધીમાં આવા આશરે 71 બિલિયન ડોલરના રિફંડ પ્રોસેસ કરી ચૂક્યું છે.
કાયદાકીય નિષ્ણાતોના મતે, આ રિફંડ મેળવવામાં ભારત અને અમેરિકાનાં વેપારીઓ વચ્ચેનાં વ્યાપારિક સંબંધો સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. કાનૂની રીતે અમેરિકન આયાતકારો આ નાણાં ભારત મોકલવા માટે બંધાયેલાં નથી, પરંતુ વર્ષો જૂના વ્યાપારિક સંબંધો અને વિશ્વાસના કારણે યુએસનાં વેપારીઓ આ રકમ ભારતીય નિકાસકારોને ટ્રાન્સફર કરી રહ્યાં છે. કેટલાક કિસ્સામાં જ્યાં ભારતીય વેપારીઓએ ટેક્સનો આખો બોજ પોતે સહન કર્યો હતો, ત્યાં તેમને પૂરેપૂરા નાણાં પાછા મળી રહ્યાં છે.
છેલ્લાં કેટલાક મહિનાઓથી આકરા ટેક્સના કારણે આર્થિક ભીંસ અનુભવી રહેલાં ભારતીય નિકાસકારો માટે આ રિફંડ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે.
જોકે, નાણાકીય અને ટેક્સ નિષ્ણાતો વેપારીઓને ચેતવણી આપી રહ્યાં છે કે રિફંડનો દાવો કરતી વખતે તમામ દસ્તાવેજો એકદમ સચોટ હોવા જોઈએ, કારણ કે અમેરિકી કસ્ટમ્સ વિભાગ આ દાવાઓની ખૂબ જ કડક તપાસ કરી રહ્યું છે. એકંદરે, મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ ભારતીય બજાર અને નિકાસકારોના બિઝનેસમાં આ રકમથી ફરી નવી રોનક આવશે.

રિલેટેડ ન્યૂઝ