આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો ક્રિકેટ જંગ

શ્રેણીના ફાઈનલ મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના : ખંઢેરીના સ્ટેડિયમમાં ડીજેના તાલે 25 હજારથી વધુ લોકો ઝુમશે : સ્ટેડિયમમાં ચાર મોટી સાઈઝના એલઈડી સ્કીન મુકાયા : દર્શકોને માસ્ક પહેરીને આવવાની સૂચના: મેચમાં પ્રથમ વખત સ્પાઈડર કેમેરાના ઉપયોગ: ફાઈનલમાં વિજેતાઓને કપ એનાયત થશે

રાજકોટ તા. 6
રાજકોટના આંગણે ખંઢેરી સ્ટેડિયમ ખાતે શનિવારે ભારતશ્રીલં કા વચ્ચે રમાનારા ટી-20 શ્રેણીના ફાઇનલ મેચને લઇને રાજકોટના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ શ્રેણી અંતર્ગત ઐતિહાસિક ક્ષણ વચ્ચે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે ત્યારે રાજકોટના આંગણે કઇ ટીમ જીતશે તે અંગે ભારે ઉત્તેજનાઓ વ્યાપી રહી છે. ખંઢેરી સ્ટેડિયમમાં પીચ અને મેદાનને સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે તેમજ બેઠક વ્યવસ્થાને પણ સંપૂર્ણ રીતે સુસજ્જ કરી દેવામાં આવી હોવાના દાવાઓ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમની અંદર દર્શકો આસાનીથી મેચ જોઇ શકે તે માટે ખાસ ચાર મોટી એલઈડી સ્ક્રિનો પણ મૂકવામાં આવી છે, આ સિવાય મેચમાં ચોગ્ગા-છગ્ગા કે વિકેટ પર ડીજેના તાલે 25 હજારથી વધુ લોકો ઝૂમી ઉઠે અને સ્ટેડિયમમાં વિશેષ ક્રિકેટમય માહોલ જોવા મળે તેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી રહી છે.
જઈઅ ના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેચને લઇને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં દર્શકો સેફલી આવી અને જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શકોએ પોતાની જાતને સેફ રાખવા માટે ખાસ માસ્ક પહેરીને આવવું તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજું પણ અમને કોવિડ-19ના પાલન અંગે કોઈ સૂચનાઓ મળશે તો તેને ફોલો કરીશું. મેચમાં ખાસ ડીજે ગોઠવવામાં આવ્યું છે. પ્રથમ વખત રાજકોટમાં ટી-20 મેચની ફાઈનલ મેચ રમાઇ રહી છે તે યાદગાર બની રહેશે. કારણ કે અહીં રાજકોટવાસીઓની હાજરીમાં વિજેતા ટીમને કપ એનાયત થશે. ખંઢેરી સ્ટેડિયમની પીચ ટી-20 માટે સજ્જ છે, મેચ અંતર્ગત રનનો ખૂબ જ વરસાદ થશે.
રાજકોટનો મેચ રોમાંચક રહેશે અને આશા છે કે ભારત જ જીતશે ! રાજકોટના-જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમમાં સ્ટેડિયમમાં 25 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે, જે બધી જ બેઠકનું બુકિંગ થઈ ચૂક્યું હોવાના દાવા થઇ રહ્યા છે.
સાંજના 7 વાગ્યાથી મેચ શરૂ થશે, જેનું લાઈવ પ્રસારણ 30 કેમેરા અને એક ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત મેચમાં સ્પાઇડર કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ