હવે ફલાઇટ રદ્દ થાય તો પુરેપુરૂ રીફંડ : વિલંબથી ઉડાનમાં મુસાફરને નાસ્તો અથવા ભોજન આપવું પડશે

118 ફલાઇટ રદ્દ : 130 ઉડાન વિલંબમાં પડી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી એડવાઇઝરી બહાર પાડી : કેન્દ્રના અધિકારીઓ એરપોર્ટ પર તૈનાત રહેશે

દેશમાં ઇન્ડીગો ફિયાસ્કા પછી પણ ધુમ્મસ સહિતના કારણે વિમાની સેવાઓ રદ્દ થવા અને વિલંબમાં પડવાનો સીલસીલો ચાલુ જ રહ્યો છે અને આજે દિલ્હી એરપોર્ટ પર 118 ફલાઇટ રદ્દ થઇ તથા 130 જેટલી ફલાઇટ વિલંબથી ઉડી હતી તે બાદ સરકારે એક એડવાઇઝરી બહાર પાડીને વિમાની કંપનીઓ માટે જો ફલાઇટ વિલંબમાં મુકાઇ તો મુસાફરો માટે નાસ્તો અથવા ભોજન પુરૂ પાડવાનું ફરજીયાત બનાવ્યું છે. જયારે બીજી તરફ જો ચોકકસ કલાક બાદ ફલાઇટ રદ્દ થાય તો પુરેપુરૂ રીફંડ આપી દેવું પડશે અને તેમાં કોઇ પણ પ્રકારના ચાર્જ વસુલી શકાશે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ધુમ્મસના કારણે ફલાઇટના સમયમાં ફેરફાર હોય તો મુસાફરોને સતત અપડેટ કરવા સુચના આપી છે. એટલું જ નહીં ફલાઇટ જો એક કલાકથી મોડી હોય તો મુસાફરોને નાસ્તો અને ત્રણ કલાકથી મોડી હોય તો ભોજન ઉપલબ્ધ બનાવવાનું રહેશેે. ફલાઇટ રદ્દ થવાના સમયે જો મુસાફર પસંદ કરે તો અન્ય ફલાઇટનો વિકલ્પ અથવા રીફંડ એ બંને કોઇ પણ ચાર્જ વગર સુવિધા આપવાની રહેશે.

રિલેટેડ ન્યૂઝ