કોમોડીટી રેલીનો અંત! સોના-ચાંદી અને તમામ મેટલના ભાવમાં સતત ઘટાડો

જો વૈશ્ર્વિક પરિસ્થિતિમાં કોઇ નાટકીય બદલાવ ન આવે તો હવે મંદીનો યુગ પણ શરૂ થઇ શકે

સોનુ ફરી એક વખત વૈશ્ર્વિક માર્કેટમાં પાંચ હજાર ડોલરથી નીચે ગયું, ચાંદીમાં ઓલ ટાઇમ હાઇથી રૂા.1.82 લાખ સુધીનો ઘટાડો, મેટલ અને ક્રિપ્ટોના ભાવ પણ સતત નીચા જઇ રહ્યા છે: ક્રુડ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઘટ્યા

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદી સહિતની મેટલ અને અન્ય કોમોડીટીના ભાવમાં જે વધારો થઇ રહ્યો છે તેમાં હવે રેલી સમાપ્ત થઇ રહી હોવાના સંકેત છે અને નિષ્ણાતોનું કહેવું છે કે ઓઇલ અને ગેસના ભાવ છેલ્લા કેટલાક સમયથી આં કોમોડીટી રેલીમાં જોડાયા નથી અને તે સાઇડમાં જ રહેશે તેવા સંકેત છે. જો કે હજુ જીઓ પોલીટીકલ પરિસ્થિતિ કઇ બાજુ જશે તેના પર વધુ આધાર રાખે છે. બેઝ મેટલ તરીકે ઓળખાતા કોપર, ઝીંક અને લીડ ઉપરાંત સોનુ-ચાંદી, પ્લેટીનીયમ અને પેલેડીયમના ભાવ છેલ્લા બાવન સપ્તાહના હાઇથી સતત નીચા જઇ રહ્યા છે. ચાંદીની કિંમત 29 જાન્યુઆરી-2026ના મલ્ટી કોમોડીટી એક્સચેંજ પર રેકોર્ડ હાઇ પર પહોંચ્યું હતું અને સોનાના ભાવ તે સમયે પ્રતિ 10 ગ્રામ રૂા.એક લાખ 80 હજાર નોંધાયા હતા અને ચાંદીનો ભાવ 4 લાખ 20 હજાર પ્રતિ કિલોગ્રામ થયા હતા. હવે ઓલટાઇમ હાઇથી સોનુ રૂા.26772 પ્રતિ દસ ગ્રામ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂા.1,84,192 સુધી નીચે આવી ગયા છે. સોનાથી વધુ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. કોમોડીટી માર્કેટમાં જે ઘટાડો થઇ રહ્યો છે તેમાં તમામ મેટલ શેરોનો પણ સમાવેશ થાય છે અને ખાસ કરીને મેટલ ઇન્ડેક્સ પણ બે ટકા જેટલો એમસીએક્સ પર ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ પાંચ હજાર ડોલરથી નીચે 4924.16 ડોલર અને ચાંદીમાં પણ આજે એક ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો ભાવ 4752 ઘટીને રૂા.2,35,144 પ્રતિ કિલો નોંધાયા છે. એમસીએક્સ પર ગોલ્ડમાં રૂા.1710ના ભાવ ઘટાડા સાથે રૂા.1,53,050 નોંધાયું છે અને આ રીતે અન્ય મેટલના ભાવમાં પણ જે રીતે ઘટાડો થઇ રહ્યો છે તેથી માનવામાં આવે છે કે મેટલની રેલીનો અંત આવ્યો છે. નિષ્ણાંતોના માનવામાં પર કિંમતી ધાતુ અને ઔદ્યોગીક ધાતુઓમાં અફડાતફડી રહેવાની સાથે આગામી છ માસમાં વધુ 10 ટકાનો ઘટાડો નોંધાઇ તેવી શક્યતા છે. એટલું જ નહીં વૈશ્ર્વિક અર્થતંત્રમાં પણ મંદી જેવા સંકેત જોવા મળે છે. ક્રિપ્ટોકરન્સીમાં અને ટેકનોલોજી શેરમાં પણ જે ઘટાડો થઇ રહ્યો છે તે પણ સુચક છે. નેચરલ ગેસના ભાવ છેલ્લા બાવન સપ્તાહમાં સૌથી વધુ ઘટીને 62 ટકા જેવા નીચે આવ્યા છે અને તે 7.83 પ્રતિ મીલીયન બ્રિટીસ થર્મલ યુનિટ નોંધાયા છે. બ્રેન્ટક્રુડ પણ 13.13 ટકા ઘટ્યું છે અને તે 67.9 ડોલર પ્રતિ બેરલ નોંધાઇ રહ્યું છે એટલું જ નહીં એગ્રી કોમોડીટીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આમ માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોમોડીટીમાં રેલીનો અંત આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ