નવી મુંબઈમાં ભૂસ્ખલન થતા અન્ોક કારો દટાઈ
ભારતમાં ચાર દિવસ મોડુ પ્રવેશેલું નૈઋત્ય ચોમાસુ અત્યંત ઝડપી ગતિએ આગળ ધપી જ રહ્યું છે અને હવે મહારાષ્ટ્ર તથા મુંબઇમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. હવે તૂર્તમાં ગુજરાતના પ્રવેશદ્વાર એવા ગુજરાતમાં પણ દાખલ થવાની આશા ઉભી થઇ છે.
કાળઝાળ ગરમીનો સામનો કરતા મહારાષ્ટ્રને ચોમાસાની એન્ટ્રી સાથે રાહત થઇ છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં નૈઋત્ય ચોમાસાએ ગઇકાલે જ પ્રવેશ કરી લીધા બાદ હવે મુંબઇ પહોંચી ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ કોંકણ, સતારા, સાંગલી, કોલ્હાપુર, ગોવામાં ભારે વરસાદની આગાહી કરવા સાથે એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસુ ગતિવિધિ તેજ બની છે અને આવતા દિવસોમાં વરસાદનો વ્યાપ પણ વધશે.
હવામાન વિભાગ દ્વારા મુંબઇ, થાણે, પાલધર, રાયગઢ, રત્નાગીરી, ઓલાપુર, નાસિકમાં તોફાની વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના 30 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની સાથોસાથ 40 થી 50 કીમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. તા.13 જુન સુધી વરસાદનો આ દોર જારી રહેવાનું આગાહીમાં કહેવાયું છે.
તેજ રફતાર સાથે આગળ ધપી રહેલું ચોમાસુ નવા-નવા રાજ્યો-ક્ષેત્રોને કવર કરી જ રહ્યું છે. બીજી તરફ ઉતરના રાજ્યોમાં એન્ટ્રી પૂર્વે જ કહેર વરસાવી રહ્યું છે. હવામાન વિભાગે આવતા 72 કલાકમાં વરસાદી તાંડવ સર્જાવાની અને ઉત્તર પ્રદેશ-બિહાર સહિત 17 રાજ્યોમાં તોફાની વરસાદ થવાની ચેતવણી આપી છે.
