38 સભ્યોની રાષ્ટ્રીય ટીમ રચવા ધમધમાટ: 13 મહિલાઓ હશે: ગુજરાત સહિતના રાજયોના નવા પ્રભારી આવશે
નવી દિલ્હી: રાજયસભાની ચુંટણીનો ધમધમાટ પુરો થયા બાદ ભાજપમાં હવે આ માસમાં બે એજન્ડા પર સૌની નજર છે. તેમાં રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની નવી ટીમ તા.15 બાદ જાહેર થઈ શકે છે. સાથોસાથ તા.20 આસપાસ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે. હાલ જે ‘અધિક માસ’ તા.15ના રોજ પુરો થાય છે અને તે બાદ આ બન્ને કાર્ય હાથ પર લેવાશે તેવું ભાજપના સૂત્રો કહે છે અને તેમાં પહેલા નીતિન નબીનની નવી ટીમ આવશે. ગત તા.20 જાન્યુ.ના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં ભાજપ વ્યસ્ત હતો અને તે બાદ હાલ વિપક્ષમાં જે રાજકીય ઉથલપાથલ ચાલે છે તે પણ અંતિમ તબકકમાં છે તેથી તા.15થી18 વચ્ચે નીતિન નબીનની નવી ટીમ આવશે જેમાં નવા રાષ્ટ્રીય મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષોની વરણીથી લાંબી પ્રક્રિયા થશે. ખાસ કરીને હવે ઉતરપ્રદેશ-ગુજરાત-પંજાબ-ગોવા-છતીસગઢ તથા હિમાચલમાં ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે અને તેને ખ્યાલમાં રાખી નવા યુવા ચહેરાઓ નીતીન નબીન ટીમમાં આવશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની નિર્ણય લેનારી સર્વોચ્ચ બોડી પાર્લીયામેન્ટ્રી બોર્ડની પણ પુનરચના થશે અને કેટલાક નવા ચહેરા આવશે.
ઉપરાંત ચુંટણીમાં જે રાજયો જઈ રહ્યા છે તે સહિતના રાજયોમાં નવા પ્રભારીઓ આવશે. ખાસ કરીને પંજાબ અને હિમાચલ પ્રદેશ જે બે રાજયો હાલ વિપક્ષ પાસે છે તે જીતવા માટે અને યુપી-ગુજરાત-ગોવા સહિતના રાજયોમાં નવા પ્રભારીઓ આવશે.
