સરકાર સાથે વાટાઘાટ માટે CJPની શરતી તૈયારી
નવી દિલ્હી: નીટ વિવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં જંતર મંતર ખાતે 37 દિવસથી ચાલી રહેલા આંદોલન તથા લદાખના એકટીવીસ્ટ સોનમ વાંગચૂકના 22 દિવસના ઉપવાસ વચ્ચે સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીતની પહેલ કરી છે પણ કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા કે કોઈ મંત્રીના નિવાસે કે ઓફીસ નહી પણ જંતર મંતર અથવા દિલ્હીની કોન્સ્ટીટયુશન કલબ જેવા સ્વતંત્ર સ્થળે વાટાઘાટની માંગ કરતા હવે સરકારના પ્રતિભાવ પર નજર છે. ગઈકાલે જ રાત્રીના બે કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી.નડ્ડા તથા શ્રી જીતેન્દ્રસિંહ તોઈડામાં મેદાંતા હોસ્પીટલમાં ઉપવાસ સાથે તબીબી સારવાર હેઠળ રહેલા લદાખના એકટીવીસ્ટ સોનમ વાંગચૂકને મળવા પહોંચ્યા હતા તથા સરકારે તેમની તથા કોકરોચ જનતા પાર્ટી સાથે વાટાઘાટની તૈયારી દર્શાવી આમંત્રણ મોકલ્યુ હતું. જો કે આંદોલનકારીઓએ શ્રી જે.પી.નડ્ડાને તેમના નિવાસે કે ઓફીસે મળવા જવાનો ઈન્કાર કર્યો છે અને જણાવ્યું કે સરકારે હવે જંતર મંતર આવવું જોઈએ. કોકરોચ જનતા પાર્ટીના પ્રવકતા સૌરવ દાસે જણાવ્યું કે આજે સવારે પોલીસ અધિકારીએ અમોને જાણ કરી હતી કે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા વાતચીત કરવા માંગે છે અને અમોને તેમના નિવાસે આમંત્રણ અપાયુ છે પણ અમોએ ઈન્કાર કર્યો છે. અમો કોઈ મંત્રી કે નેતાની ઓફીસ કે નિવાસે વાટાઘાટ કરવા તૈયાર નથી. અમો કોઈ તટસ્થ સ્થળ અમારા આંદોલન સ્થળ નજીક વાટાઘાટ માટે તૈયાર છીએ પણ સરકારે પહેલા સ્પષ્ટ કરવુ જોઈએ કે તમો કે તમો અમારી માંગો સ્વીકારવા તૈયાર છે કે કેમ! જો તેમ ન હોય તો વાતચીતનો કોઈ અર્થ નહી. તમોએ કોન્સ્ટીયુશન કલબમાં પણ વાતચીતની તૈયારી દર્શાવી છે. બીજી તરફ આંદોલનના પ્રણેતા અભિજીત દિપકે જણાવ્યું કે અમોને શાંતિપૂર્વક ધરણાનું કહેવાનો પોલીસને કોઈ અધિકાર નથી. તેઓએ અમારી શાંતિપુર્વથી કુચ પર લાઠીચાર્જ કર્યા છે.
