રાજસ્થાનમાં કુદરતના ખોળામાં આવેલા મીરપુર જૈન તીર્થના ચાતુર્માસમાં આરાધકો મૌન પાળે છે અને મોબાઈલનો પણ ત્યાગ કર્યો

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા 1300 વર્ષ જૂના પ્રાચિન શ્રી હમીરપુરા પાર્શ્વનાથ જૈન તીર્થમાં અનોખા ચાતુર્માસનું આયોજન થયું છે જેમાં ધ્યાન પ્રયોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ચાતુર્માસમાં ભાગ લેનારા આરાધકો મૌન ધારણ કરે છે અને તેમણે મોબાઈલનો પણ ત્યાગ કર્યો છે. 50 દિવસના નિજમાં નિવાસ-મીરપુર ચાતુર્માસ દ્વિતિયનો પ્રારંભ 28 જુલાઈના થયો હતો અને એ 16 સપ્ટેમ્બર સુધી ચાલશે.
નિજમાં નિવાસ-સિદ્ધવડ ચાતુર્માસ પ્રથમ ગયા વર્ષે પાલિતાણામાં શત્રુંજયની તળેટીમાં આવેલા સિદ્ધવડ તીર્થમાં યોજાયો હતો અને એની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધ લેવામાં આવી હતી. પહેલા ચાતુર્માસને મળેલી જબરદસ્ત સફળતા બાદ આ દ્વિતિય ચાતુર્માસ હવે પવિત્ર ભૂમિ મીરપુર તીર્થમાં યોજાયો છે. મીરપુરના તીર્થમાં એક સમયે 15થી અધિક જિનાલયો હતા, પણ આજે ત્યાં માત્ર ચાર પ્રાચીન જિનાલયો છે.
આ ચાતુર્માસના લાભાર્થી મુંબઈના મૌન મહાનંદપ્રેમી પરિવારો છે અને ચાતુર્માસમાં ગુરુભગવંત કે દાતા પરિવારોના નામના એકેય બેનરો ક્યાંય લગાડવામાં આવ્યા નથી. ધ્યાનાભ્યાસની વિશેષતા એ છે કે આ ચાતુર્માસ માટે 50 હજાર ચોરસ ફૂટનું ખાસ બાંધકામ માત્ર ચાર મહિનામાં તૈયાર કરાયું છે જેમાં પ્રવચન હોલ, ઉપાશ્રય, ભોજન ખંડ, ધર્મશાળા વગેરેનો સમાવેશ છે. કોઈપણ ડેકોરેટરની નિયુક્તિ કરવામાં આવી નથી. માત્ર 25 ટકાનો વધુ ખર્ચ થયો છે, પણ બાંધકામ 50 વર્ષ ચાલશે અને એ સંઘને સુપરત કરી દેવાશે. આનો ઉદેશ્ય એ છે કે કોઈપણ દાતા પરિવાર કે સંઘ આવું આયોજન કરે તો શ્રીસંઘને, શાસનને અને સંસ્થાને કાયમી લાભ મળે અને દર વર્ષે નવો ખર્ચ ન કરવો પડે જે ખર્ચ કરોડોમાં થતો હોય છે.
આરાધકોને રોજ સાત્વિક-ઓર્ગેનિક ફુલમેનુ ભોજનથી ભક્તિ કરવામાં આવે છે જેની એક ટાઈમના ભોજનની પડતર કિંમત 160 રૂપિયા આસપાસની છે. આરાધકોની સાધના શાતાપૂર્વક થાય એ માટે ભોજન ઓર્ગેનિક ખાદ્યાન્નમાંથી બનાવી ભક્તિ કરવામાં આવે છે અને પ્રાયે આરાધકો આયંબિલ તથા એકાસણાં કરે છે. ગયા વર્ષે યોજાયેલા પ્રથમ નિજમાં નિવાસ સિદ્ધવડ ચાતુર્માસમાં વસાવવામાં આવેલાં ખુરશી, ગાદલાં, લાકડાંના પલંગ વગેરે જેવી ચીજ-વસ્તુ 40 જેટલા જૈન સંઘોને દાનમાં આપી દેવામાં આવ્યા હતા. આ વખતની ચાતુર્માસમાં પણ એકેય ચીજ-વસ્તુ ભાડેથી લેવામાં આવી નથી.

રિલેટેડ ન્યૂઝ