પીએમ મોદીએ કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ પર વાત કરી : હુમલા વખતે હું હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો, ભગવાને જ બચાવ્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ભારતનાં બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે અંદાજે 9 મિનિટ સુધી વીડિયો કોલ પર વાતચીત કરી હતી. 30 સપ્ટેમ્બરે દુબઈથી ઇઝરાયેલ (તેલ અવીવ) જઈ રહેલાં ફ્લાયદુબઈના વિમાનમાં કો-પાયલટ દ્વારા કરવામાં આવેલાં અચાનક હુમલા અને વિમાનને ક્રેશ કરવાનાં પ્રયાસ છતાં, કેપ્ટન સ્મિતે પોતાની અદ્ભુત સૂઝબૂઝ અને અદમ્ય સાહસથી 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત તમામ લોકોનાં જીવ બચાવ્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીના વખાણ કર્યા, કહ્યું, સમગ્ર દેશ તમારા માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરી રહ્યો છે: મોદી સાથે વાત કરતા સમયે સ્મિત ભાવુક થયા

વીડિયો કોલ દરમિયાન પીએમ મોદીએ કેપ્ટન સ્મિતના સાહસની સરાહના કરતાં કહ્યું કે, “આખો દેશ તમારા ઝડપી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તમારા સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવી રહ્યાં છે. તમારી હિંમત અને સૂઝબૂઝથી સેંકડો લોકોનાં જીવ બચ્યાં છે. આજે દેશ ગર્વથી કહી શકે છે કે ભારતીયો બીજાનો જીવ લેનારા નથી, પરંતુ બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા લોકો છે.
આ વાતચીતમાં કેપ્ટન સ્મિત મચ્છરે પ્રધાનમંત્રીને તે ભયાનક ક્ષણોની આખી આપવીતી સંભળાવતાં જણાવ્યું કે, હુમલાની તે ગંભીર અને સંકટપૂર્ણ સ્થિતિમાં તેઓ સતત હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યાં હતાં અને ઈશ્ર્વરે જ તે સમયે તેમને આટલી શક્તિ અને તાકાત પૂરી પાડી હતી. પ્રધાનમંત્રીનો ફોન આવવા પર અત્યંત ભાવુક થયેલાં કેપ્ટને કહ્યું કે પીએમ સાથે વાત કરીને તેમને ખૂબ જ ગર્વ અનુભવાયો છે અને તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમનાં જીવનમાં આવો ક્ષણ આવશે.
પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન સ્મિતના માતા ગીતાબેનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તેમની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની માતાએ તેમને ભગવદ્ગીતાના મૂલ્યો અને સંસ્કારો સાથે ઉછેરીને મોટા કર્યા છે. પીએમ મોદીએ અગાઉ સ્મિતના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને પત્ની સોનલબેન સાથે પણ ફોન પર વાત કરીને ખબરઅંતર પૂછ્યા હતાં અને આશ્ર્વાસન આપ્યું હતું કે ભારતીય મિશન દ્વારા પાયલટ અને તેમનાં પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
હાલમાં કેપ્ટન સ્મિત યુએઈની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને દુબઈ પહોંચી ગયા છે. યુએઈમાં ભારતનાં રાજદૂત દીપક મિત્તલે કેપ્ટન અને તેમનાં પરિવારની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે પાયલટની હાલત હવે સંપૂર્ણપણે સ્થિર છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે.
તેમણે ઉમેર્યું કે કેપ્ટનનું મનોબળ ખૂબ જ મજબૂત છે, તેઓ સ્મિત કરી રહ્યાં છે અને ભારતીય દૂતાવાસ સતત તબીબી ટીમ સાથે સંપર્કમાં છે.
ઇઝરાયેલી નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ કેપ્ટન સ્મિતની બહાદુરીના મુક્ત મને વખાણ કર્યા છે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક ભારતીય પાયલટે 9/11 જેવી ભયાનક વિમાન હોનારત થતી રોકી દીધી છે. અસલમાં, કોકપિટમાં કો-પાયલટે કુહાડી વડે હુમલો કરી પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર રીતે લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિતે વિમાન પરનું નિયંત્રણ છોડ્યું નહોતું અને જાતે દરવાજો ખોલીને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ