દિવાળી બાદ પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે !

રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભાવવધારા માટે નવેમ્બર જ છેલ્લી તક ; મોંઘવારી દર 6.2 ટકા સુધી પહોંચવાની શક્યતા

ઓક્સફર્ડ ઈકોનોમિક્સના એક અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર આગામી નવેમ્બર મહિનામાં દેશમાં ઈંધણ (પેટ્રોલ અને ડીઝલ)ના ભાવમાં મામૂલી વધારો કરી શકે છે. આવતા વર્ષના પ્રારંભમાં દેશનાં કેટલાક મહત્વનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, ચૂંટણી પ્રચાર જોર પકડે તે પહેલાં સરકાર માટે ભાવ વધારવા માટે નવેમ્બર મહિનો જ છેલ્લી અનુકૂળ તક માનવામાં આવી રહી છે.
વર્ષ 2027ની શરૂઆતમાં ગોવા, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં નવી સરકાર ચૂંટવા માટે મતદાન યોજાવાનું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે આ વર્ષે મે મહિનામાં ઈંધણના ભાવમાં જે કુલ 7.5 ટકા સુધીનો વધારો ઝીંકાયો હતો, તેના કરતાં નવેમ્બરમાં થનારો આ સંભવિત ભાવવધારો અડધો હોઈ શકે છે.
ઈંધણના ભાવમાં જો આ વધારો કરવામાં આવશે, તો દેશમાં રિટેલ મોંઘવારી દર (ફુગાવો) ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 6.2 ટકા અને 2027ના પ્રથમ ત્રણ મહિનામાં 6.5 ટકા સુધી પહોંચી શકે છે. જો આમ થશે તો મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકની નિર્ધારિત 2 થી 6 ટકાની ઉપલી મર્યાદાને પાર કરી જશે.
જો કે, ભારતીય રિઝર્વ બેંકે આ સમયગાળા માટે મોંઘવારી દર 6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું, જે બાદમાં ઘટીને 5.7 ટકા થઈ શકે છે. પરંતુ ઓક્સફર્ડ ઈકોનોમિક્સના અર્થશાસ્ત્રી હરમન પ્રસાદના મતે જો નવેમ્બરમાં સરકાર ભાવવધારો નહીં કરે, તો આવનારા ક્વાર્ટર્સમાં મોંઘવારીના અંદાજમાં 10 થી 30 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ઈંધણના વધતાં ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના દબાણને કારણે મોંઘવારી ઊંચા સ્તરે જ રહેશે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંકને ડિસેમ્બર અને ફેબ્રુઆરીની પોતાની નાણાકીય નીતિ બેઠકોમાં વ્યાજદરમાં ફરીથી 25-25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવો પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ