નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે જાપાનના આઈચી-નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સ 2026ના ભારતીય મેડલ વિજેતાઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી.
એશિયન ગેમ્સ 2026માં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન
ભારતે આ વખતે 301 ખેલાડીઓની ટુકડી સાથે કુલ 85 મેડલ (21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ) જીતીને મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું છે.
- હોકીમાં હિસ્ટોરિક ગોલ્ડ: 44 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય પુરુષ અને મહિલા બંને હોકી ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ટીમે ચીનને 1-0થી અને પુરુષ ટીમે મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેળવવાની સાથે ‘લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક’ માટે ક્વોલિફાય કર્યું છે.
- ક્રિકેટ અને કબડ્ડી: ક્રિકેટ તથા કબડ્ડી બંનેમાં પુરુષ અને મહિલા ટીમોએ સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યા છે.
- મહિલા શક્તિ: કુલ 85માંથી 38 મેડલ (11 ગોલ્ડ સહિત) મહિલા ખેલાડીઓએ જીત્યા છે. આ ઉપરાંત MMA, સોફ્ટ ટેનિસ અને સેઇલિંગ જેવી નવી રમતોમાં પણ ભારતે મેડલ મેળવ્યા છે.
ખેલાડીઓને વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાને જણાવ્યું કે, “મેડલ જીતવો એ માત્ર એક સંખ્યા નથી પરંતુ નવા ભારતનું શક્તિશાળી ચિત્ર છે.” તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષથી દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે, જેના કારણે ભારત હવે તમામ રમતોમાં સફળતાપૂર્વક ભાગ લઈને મેડલ મેળવી રહ્યું છે. મુલાકાત દરમિયાન પુરુષ અને મહિલા હોકી ટીમોએ વડાપ્રધાન મોદીને વિશેષ જર્સી ભેટ આપી હતી.
