FRROની ‘દેશ છોડો’ નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના દ્વારે પહોંચશે અભિનેતા ઈમરાન ખાન: 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ

મુંબઈ:બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન ફરી એકવાર ગંભીર કાનૂની વિવાદમાં ઘેરાયા છે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની અપાયેલી નોટિસને તેઓ હવે બોમ્બે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. ઈમરાન ખાનની કાનૂની ટીમ ટૂંક સમયમાં આ મામલે તાત્કાલિક સુનાવણી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત 10 ઓક્ટોબરના રોજ મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતેથી થઈ હતી. જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ઈમરાન ખાને ભાગ લીધો હતો અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઈમરાન ખાન પાસે અમેરિકી નાગરિકતા હોવા છતાં તેમણે ભારતમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈને વિદેશી નાગરિકો માટેના નિયમો અને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) શરતોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. પોલીસે આગળની કાર્યવાહી માટે આ મામલો FRRO (ઈમિગ્રેશન વિભાગ)ને સોંપ્યો હતો.

FRRO નોટિસ અને કાનૂની જોગવાઈઓ

પોલીસ ફરિયાદના આધારે ઈમિગ્રેશન અધિકારીઓએ કાર્યવાહી કરતા ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપતી નોટિસ ફટકારી છે.

  • OCI વિઝા મર્યાદા: ઈમરાન ખાન પાસે અમેરિકી પાસપોર્ટ અને OCI કાર્ડ છે. OCI કાર્ડધારકોને ભારતમાં આજીવન રહાણે અને મુસાફરી કરવાની છૂટ મળે છે, પરંતુ તેઓ ભારતીય નાગરિક ન હોવાથી તેમને કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ, મતદાન કે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર હોતો નથી.
  • ઈમિગ્રેશન કાયદો: ઈમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર તેમજ તપાસ એજન્સીઓ પાસે વિદેશી નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવાની સત્તા રહેલી છે.

હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની શક્યતા

ઈમરાન ખાન પોતાની કાનૂની ટીમ MZM લીગલ LLPના વકીલો ઝુલ્ફીકાર મેમણ, પરવેઝ મેમણ અને ચિરાગ નાઈક મારફતે બોમ્બે હાઈકોર્ટમાં દાદ માગશે. આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે. OCI કાર્ડધારકના રાજકીય અધિકારો અને FRROના આદેશની કાનૂની માન્યતા બાબતે હાઈકોર્ટનો નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

રિલેટેડ ન્યૂઝ