બિપાશા બાસુનું ધમાકેદાર કમબેક : હંસલ મહેતાની નવી વેબ સીરીઝમાં દેખાશે, સની કૌશલ સાથે શૂટિંગ શરૂ કર્યું

બોલિવૂડની હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસ બિપાશા બાસુ લાંબા વિરામ બાદ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. ‘રાઝ’ અને ‘જિસ્મ’ જેવી સુપરહિટ ફિલ્મોથી લોકોના દિલ જીતનારી બિપાશા જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાની આગામી વેબ શ્રેણીમાં મુખ્ય રોલમાં જોવા મળશે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. આ OTT શોમાં તેની સાથે સની કૌશલ અને વિશાલ જેઠવા પણ મહત્વના રોલમાં નજરે પડશે. આ શ્રેણી સાથે બિપાશા લગભગ ૬ વર્ષના લાંબા ગાળા પછી સેટ પર પરત ફરી રહી છે.
હજુ સુધી આ શ્રેણીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ પ્રોજેક્ટનું લેખન કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે કર્યું છે, જ્યારે ઓલમાઈટી મોશન પિક્ચર્સના બેનર હેઠળ પ્રભલીન સંધુ તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. પ્રાઇમ વિડિયોએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે શોનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ બિપાશાએ પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘જિસ્મ’ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તે સમયે ઘણા લોકોએ તેને આ બોલ્ડ રોલ કરવાની ના પાડી હતી અને કરિયર ખતમ થઈ જવાની બીક બતાવી હતી, છતાં તેણે પોતાના દિલનું સાંભળ્યું હતું.
આ વેબ શ્રેણીની વાર્તા એક નાના અનામી શહેર પર આધારિત છે, જે ધીમે ધીમે ડ્રગ્સ (હેરોઈન)નું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. વાર્તામાં સની કૌશલ એક કડક અને ઈમાનદાર પોલીસ અફસરના રોલમાં જોવા મળશે, જે સિસ્ટમની અંદર અને બહારની તાકાતો સામે લડીને પોતાની નિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરે છે. જોકે, બિપાશા અને વિશાલ જેઠવાના રોલ અંગે હજુ રહસ્ય રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, બિપાશાએ ૨૦૧૬માં એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૨૨માં તેમની દીકરી દેવીનો જન્મ થયો હતો. તે છેલ્લે ૨૦૨૦માં વેબ સિરીઝ ‘ડેન્જરસ’ અને તે પહેલાં ૨૦૧૫માં ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. હવે આ નવી પ્રાઇમ વિડિયો શ્રેણી સાથે તે ફરી એકવાર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવવા તૈયાર છે.

રિલેટેડ ન્યૂઝ