કાલાવડમાં ટેકાના ભાવે મગફળીના રૂપિયા અટકતા આર્થીક સંકટ સર્જાયુ

જીલ્લા પંચાયત શિક્ષણ સમીતીના ચેરમેને ખેતીવાડી અધિકારીને કરી રજુઆત

કાલાવડ તાલુકાના ખેડૂતોની ટેકા ના ભાવ ની મગફળીના રૂપિયા અટકતા આર્થિક સંકટ – તાત્કાલિક ચુકવણી કરવા જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણીની જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કાલાવડ તાલુકાના ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવે વેચાયેલી મગફળીના રૂપિયા લાંબા સમયથી અટકતા ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે જિલ્લા પંચાયત જામનગરના શાસક પક્ષના નેતા, તથા શિક્ષણ સમિતિના સભ્ય જગદીશભાઈ નાથાભાઈ સાંગાણી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત જામનગરને લેખિત મા રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ કાલાવડ તાલુકાના અનેક ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર વેચાણ કર્યું છે. પરંતુ ઘણા ખેડૂતોને મગફળી વેચ્યા બાદ એકથી બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેમના ખાતામાં ચુકવણી જમા કરવામાં આવી નથી. પરિણામે ખેડૂતોને ખેતી ખર્ચ, બીજ-ખાતર, સુપર, દવાઓ તેમજ ઘરખર્ચ અને અન્ય જવાબદારીઓ પૂરી કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને હાલના સમયમાં ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે. ઘણા ખેડૂતોને દીકરીઓના લગ્ન જેવા પ્રસંગો, ઘરનું ભરણપોષણ તથા જૂના દેવાના હપ્તા ચૂકવવાના હોવાથી મગફળીના રૂપિયા સમયસર ન મળતા તેઓ માનસિક તણાવમાં છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગોડાઉન અને વેરહાઉસ દ્વારા રસિદ (બિલ) પ્રક્રિયામાં થતા વિલંબ, તેમજ સુધારા માટે ફાઈલ પાછી મોકલવાના કારણે ચુકવણી પ્રક્રિયા મોડે પડી રહી છે. આ વિલંબના કારણે સરકાર દ્વારા રૂપિયા ચુકવવામાં અનાવશ્યક મોડાશી સર્જાઈ રહી છે.
જગદીશભાઈ સાંગાણીએ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતોની મગફળી ગોડાઉનમાં જમા થઈ ગયા બાદ પણ જો વેરહાઉસ અથવા અન્ય તંત્ર તરફથી કોઈ ટેક્નિકલ કારણસર બિલમાં સુધારો થાય તો તે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી, ખેડૂતોના ખાતામાં તાત્કાલિક રૂપિયા જમા કરાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ખેડૂતો માટે મગફળીના રૂપિયા તેમના જીવન આધાર સમાન હોવાથી તેમાં થતી કોઈપણ મોડાશી ગંભીર પરિણામો ઊભા કરે છે. અંતમાં,જગદીશભાઈ સાંગાણીએ જિલ્લા ખેતીવાડી અધિકારીને વિનંતી કરી છે કે કાલાવડ તાલુકાના તમામ પીડિત ખેડૂતોને તેમની મગફળીના રૂપિયા વિલંબ વિના અને તાત્કાલિક ચુકવવામાં આવે, તેમજ આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં આવે. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓએ દૃઢ માંગ ઉઠાવી છે. તેમજ સાથે સાથે કૃષી મંત્રીને પણ પત્ર લખી યોગ્ય કરવા વિનંતી કરી છે.

રિલેટેડ ન્યૂઝ