ભવનાથમાં 20 નવા ટ્રાન્સફોર્મર: અંડરગ્રાઉન્ડ લાઈનથી છેક ગિરનાર સુધી વીજળી ચાલુ રહેશે: 184 કર્મચારીઓને સોપાશે ફરજ
મહાશિવરાત્રીના મેળાને દૈદીપ્યમાન બનાવવા પીજીવીસીએલ પ્રકાશ પાથરશે, ભવનાથમાં 20 નવા ટ્રાન્સફોર્મર ઊભા કરવાની કામગીરી હાલમાં ચાલુ છે, આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ લાઈનથી છેક ગિરનાર સુધી વીજળી ચાલુ રહેશે, આ માટે મેળા દરમિયાન 184 કર્મચારીઓને રાઉન્ડ ધી લોક ફરજ બજાવશેમહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા તમામ એચટી અને એલટી લાઈનોની સંપૂર્ણ ચકાસણી તથા જરૂરી મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઈનોની વિશેષ તપાસ કરીને સંભવિત ખામીઓને સમયસર દૂર કરવામાં આવી છે. ઉપરાંત, વધતા વીજ લોડને ધ્યાનમાં રાખી અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે 5 જૂના ટ્રાન્સફોર્મરોને બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે.કોઈપણ અચાનક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે 4 વૈકલ્પિક ફીડરો તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક પુરવઠો ચાલુ રાખી શકાય. મેળા દરમિયાન 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખશે. જ્યાંથી સમગ્ર વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ સાથે 29 વિશેષ ટીમો અને 184 જેટલા કર્મચારીઓ ફરજ પર તહેનાત રાખવામાં આવ્યા છે.
