કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને ભાવનાત્મક સહારો આપવા, જોડાણ કરવા અને સર્વાંગી સારવાર પૂરી પાડવા માટેનો પ્રયાસ
વર્લ્ડ કેન્સર ડેના પ્રસંગે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ નેટવર્ક હેઠળની સ્ટર્લિંગ રામ કૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામ દ્વારા આજે ’સ્ટર્લિંગ કેન્સર ચેમ્પિયન્સ – હોપ ઓફ લાઇફ’ નામના ખાસ પેશન્ટ સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોને ભાવનાત્મક મજબૂતી. પરસ્પર જોડાણ અને સારવારથી આગળ વધીને સર્વાંગી કાળજી પૂરી પાડવાનો છે.
હોસ્પિટલના ટ્રેનિંગ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. નિકુંજ ચૌહાણ (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. મોહિત મોદી (મેડિકલ ઓન્કોલોજિસ્ટ) અને ડો. સૌરભ માંકણા (રેડિયેશન ઓન્કોલોજિસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્દીઓ, તેમના સંભાળ રાખનાર પરિવારજનો, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ એકસાથે જોડાયા હતા, જેના પગલે સમગ્ર વાતાવરણ આશા અને હકારાત્મકતાભર્યું બન્યું હતું.
આ પેશન્ટ સપોર્ટ ગ્રુપને ખાસ કરીને એવા સુરક્ષિત અને સહાયક મંચ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓ અને તેમના પરિવારજનો નિર્ભય રીતે પોતાની લાગણીઓ અને અનુભવો શેર કરી શકે અને સમાન સ્થિતિમાંથી પસાર થતા અન્ય લોકો સાથે જોડાઈ શકે. આ પહેલ હેઠળ હોસ્પિટલ દર મહિને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે, જેમ કે ખુલ્લામને ચર્ચા અને ભાવનાત્મક જોડાણ માટે સપોર્ટ ગ્રુપ મીટિંગ્સ, ડોક્ટર્સ અને કાઉન્સેલર્સ સાથેની ઇન્ટરએક્ટિવ બેઠકો, સાથે બેસીને ફિલ્મ જોવી, મનોરંજક પ્રવૃત્તિઓ કરવી તેમજ તણાવ ઘટાડવા અને આનંદ ફેલાવવા માટેની અન્ય નાની પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.
