વન વિભાગે બાળસિંહના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો : શ્ર્વાસ રૂંધાવાથી મોત
અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ પરિવારનો વસવાટ છે. ત્યારે આજે અમરેલી જિલ્લાનાં લીલીયા રેન્જના મોટા કણકોટ ગામે રહેતાં મુકેશભાઈ જીણાભાઈ કાકડિયાની વાડી બાજુમાં આવેલ કણકોટ ગામના ગ્રામ પંચાયતના કુવામાં એક બે વર્ષની ઉંમરનો સિંહ પાઠડો નર અકસ્માતે પડી જતાં મોત નિપજતા ભારે અરેરાટી ફેલાય જવા પામેલ છે. વનવિભાગ ઘટનાં સ્થળે દોડી જઈ સિંહ બાળના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી બાદમાં પી.એમ માટે એનિમલ કેર સેન્ટર ક્રાકચ ખાતે ખસેડવામાંમાં આવ્યો હતો.
આ ઘટનાં જ્યાં ઘટી તે કૂવાની પેરાપીટ બાંધેલ હોવા છતાં આ ઘટનાં ઘટતાં વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ લીલીયા પંથકમાં વન્ય જીવોના આકસ્મિક મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સિંહનું મોત નીપજતા સિંહ પ્રેમીઓમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે.
કણકોટ ગામની સીમમાં શિકારની શોધમાં અથવા અંધારામાં રસ્તો ભટકેલો આ અઢી વર્ષનો બાળ ડાલા મથ્થો અચાનક આ કૂવામાં ખાબક્યો હોવાનું મનાય રહ્યુ છે. જ્યારે કૂવામાં પાણીથી ભરેલો હોવાને કારણે સિંહ બાળ બહાર નીકળી શક્યો ન હતો અને અંતે શ્વાસ રૂંધાવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને જોતા વનવિભાગનો કાફલોતાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. વનવિભાગની ભારે જહેમત બાદ નર સિંહના મૃતદેહને કૂવા બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગે સિંહના મૃતદેહનો કબજો મેળવી, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
લીલીયા પંથકમાં ખુલ્લા કૂવાઓ વન્યપ્રાણીઓ માટે ’ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. અગાઉ સિંહણના વીજ કરંટથી થયેલા મોત બાદ હવે આ અકસ્માતે વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દીધા છે. રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર પર વનવિભાગનું મોનિટરિંગ વધારવામાં આવે તેમજ ખુલ્લા કૂવા મામલે બેદરકાર માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.લા તેવી પણ માંગ ઉઠી છે. જોકે વનવિભાગના જણાવ્યા અનુસાર આ કૂવો પેરાપીટથી બાંધવા આવેલ હતો.
સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર,જો વનવિભાગ દ્વારા સમયસર ખુલ્લા કૂવાઓનું સર્વે કરી તેને ઢાંકવાની કામગીરી કરવામાં આવે તો આવનાર દિવસોમાં આવી ઘટના ના બને. જો આ કૂવો સંપુર્ણ ઢાંકવામાં આવ્યો હોત તો આજે આ વનરાજનો જીવ બચી શક્યો હોત તેવી સિંહ પ્રેમી ઓમા ચર્ચા પણ ચાલી રહી છે
