ચાંદીમાં 15000, સોનામાં 3000 વધ્યો: વિશ્ર્વ બજારમાં સોનુ 5000 ડોલરને પાર
ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર થયાનો પોઝીટીવ પડઘો પડ્યો હોય તેમ આજે શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી તેજી થઇ હતી. સોના-ચાંદી પણ સળગ્યા હતાં.
શેરબજારમાં આજે શરુઆત પોઝીટીવ ટોને થઇ હતી. અમેરિકા સાથેના ટ્રેડ ડીલના વચગાળાના ફ્રેમવર્કમાં ટેક્સટાઇલ્સ, જ્વેલરી સહિતના ક્ષેત્રોની નિકાસને ભરપૂર ફાયદો થવાના સંકેત હતા તેનાથી કોર્પોરેટ ક્ષેત્ર અને અર્થતંત્રને સારો ફાયદો થવાના આશાવાદથી માર્કેટમાં સારી અસર હતી. આજે મોટા ભાગના ક્ષેત્રોમાં ધૂમ લેવાથી ઉછાળો હતો. જાપાન સહિત એશિયન માર્કેટની તેજીથી નવો ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડ ડીલને પગલે ટેરિફવોર સમાપ્ત થઇ જ ગયું છે. ટ્રેડ ડીલની વિગતો સ્પષ્ટ થયા બાદ નવો ટ્રેન્ડ ઉભો થઇ શકે છે.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો હતો. એનએસઇમાં 2372 શેરો ઉંચકાયા હતા. માત્ર 558 રેડઝોનમાં હતા. કલ્યાણ જ્વેલર્સ, સ્ટેટ બેંક, સીજી ક્ધઝયુમર્સ, બીએસઇ, વોડાફોન, ટીસ્કો, યસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, જે.કે. ટાયર્સ, એમઆરપીએલ, પોલી મેડીકેર, જય ભારત મારૂતી જેવા શેરોમાં ઉછાળો હતો. આરઇસી, મેક્સ હેલ્થકેર, સીમેન્સ, પેજ ઇન્ડ. એચડીએફસી બેંક જેવા શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 444 પોઇન્ટના ઉછાળાની 84024 હતો. તે ઉંચામાં 84314 તથા નીચામાં 83860 હતો. નીફટી 155 પોઇન્ટના ઉછાળાથી 25849 હતો તે ઉંચામાં 25922 તથા નીચામાં 25780 હતો.
બીજી તરફ સોના-ચાંદીના ભાવ પણ વધુ સળગ્યા હતા. હાજર સોનુ 160800 હતું. જ્યારે ચાંદી 268800 હતું. કોમોડીટી એક્સચેંજમાં સોનુ 157492 સાંપડ્યું હતું. ઉંચામાં 158500 થયું હતું અને 3000નો ઉછાળો સુચવતું હતું. વિશ્ર્વ બજારમાં ભાવ 5000 ડોલર કુદાવીને 5025 ડોલર હતું. કોમોડીટી એક્સચેંજમાં ચાંદી 261469 થઇ હતી. ઉંચામાં ભાવ 2.64 લાખથી વધુ થયો હતો. વિશ્ર્વ બજારમાં ભાવ 82 ડોલર હતો.
સોના-ચાંદીમાં નવેસરથી તેજી અને ઉથલપાથલને કારણે સટ્ટોડીયાઓ તથા વેપારીઓ બંને પરેશાન છે. એકાદ દિવસ માર્કેટ સ્થિર થઇ રહ્યાનું ચિત્ર ઉપસે ત્યાં જ ફરી ઉથલપાથલને કારણે વેપાર કરવાનું મુશ્કેલ થઇ પડ્યું છે.
કેટલાક દિવસોથી કારોબાર ફરી નોર્મલ થવા લાગ્યો છે તથા લેનારા અને વેંચનારા બંને ખચકાટ રાખી રહ્યા છે. મોટી વધઘટને કારણે સોદામાં કોઇ વિવાદ કે વિક્ષેપ સર્જાવાના સંજોગોમાં સંબંધો બગડે તેવી આશંકાના કારણે અત્યંત કાળજીપૂર્વક વ્યવહાર થઇ રહ્યો છે.
