ભવનાથનો મહાશિવરાત્રિ મેળો જામ્યો : બે દિવસમાં લાખો ભાવિકોએ મેળાને મન ભરી માણ્યો

ભારતભરમાંથી પધારેલા સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી : સાધુ સંતોના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે

જુનાગઢનો શિવરાત્રી મેળો ખરા અર્થમાં મીની કુંભ મેળો થવા જઈ રહ્યો છે. કારણ કે, અત્યાર સુધીના ઇતિહાસમાં મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જ લાખો લોકો મેળો માણવા ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને બીજા દિવસે પણ બપોર બાદ ભાવિકો હજારોની સંખ્યામાં મેળો માણવા પહોંચતા મેળાએ બે દિવસમાં જ રંગત જમાવી દીધી છે.
ભવનાથનો શિવરાત્રી મેળો દસકાઓથી યોજાતો આવ્યો છે, એક વખત આ મેળો માણવા લોકો ગાડા, ઘોડા ગાડી, ઊંટ ગાડી લઈ કે પગપાળા ચાલી ભવનાથ ક્ષેત્રમાં આવતા હતા અને ગિરનારના ખોળે ભવનાથ ક્ષેત્રમાં બિરાજતા દેવાધી દેવ મહાદેવ ભવનાથ મંદિરની સમક્ષ ઘરેથી લાવેલ સીધું સામાન થી પાંચ દિવસ સુધી હાથે ભોજન પ્રસાદ બનાવી, ભગવાન ભોળાનાથના ભજન કરી, ભાવિકો ભક્તિમય બની, મેળો માનતા હતા, સમય જતા જૂનાગઢના ભવનાથ શ્રેત્રનો મહાશિવરાત્રી મેળો જગવિખ્યાત બન્યો હતો.
દરમિયાન આ વખતે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રીએ અંગત રસ લઈ જુનાગઢ વહીવટી તંત્રને આ મેળો ભવ્યાતિ ભવ્ય બને તે માટે સતત સૂચનો અને માર્ગદર્શન આપી, મિટીંગો યોજી, આ મેળો મીની કુંભમેળો બને તે માટેના સતત પ્રયત્નો રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.
જેને લઇને જૂનાગઢના ભવનાથ મેળાની બે મહિના અગાઉ જૂનાગઢના કલેકટર અનિલ રાણાવશીયાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી, અને છેક ભરડાવાવથી ગિરનાર સુધીના ત્રણ સાડા ત્રણ કિલોમીટર લાંબા રૂટને રોશનીથી શણગારવામાં આવ્યો છે. આ સાથે સમગ્ર ભવનાથ ક્ષેત્ર ભક્તિમય બને તે માટે દીવાલો ઉપર ભગવાન શિવના વિવિધ મોટા ચિત્રો કકંડારવામાં આવ્યા છે અને સમગ્ર ભવનાથ ઉપર સાઉન્ડ દ્વારા ભગવાન ભોળાનાથના ભજનો રૂટ પર ચાલતા લોકોને સંભળાતા હોવાથી ભાવિકો ભક્તિમય બની રહ્યા છે.
દરમિયાન બુધવારે મહા સુદી નામના દિવસે સવારે સાડા નવ વાગ્યે, સંતો મહંતો અને જુનાગઢના અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે હર હર મહાદેવ ના નાદ સાથે ધજાના પૂજન સાથે, ભવનાથ મંદિરના શિખર ઉપર પરંપરાગત રીતે ધ્વજારોપણ થયું હતું અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા અખાડાઓ અને ભારતભરમાંથી આવેલા સાધુ સંતોના ધુણાઓ પ્રજબલિત થયા બાદ ભવનાથ મેળાનો વિધિવત પ્રારંભ થયો હતો. ત્યારે ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જુનાગઢ મેળાની મુલાકાતે આવ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલના મેળાના પ્રથમ દિવસે લગભગ અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં અને મેળાના બીજા દિવસે પણ મેળો માણવા ભાવિકો મોટી સંખ્યામાં ગિરનાર દરવાજા અને ભરડાવાઓથી 3 કિમી. પગપાળા ચાલીને ભવનાથના શિવરાત્રી મેળામાં પહોંચતા પ્રથમ બે દિવસમાં જ મેળાએ રંગત જમાવી લીધી છે.
આ સાથે સાંજથી લઈને રાત્રિના તંત્ર દ્વારા જુનાગઢના સ્થાનિક અને બહારના જગવિખ્યાત નામી કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન કરવામાં આવતું હોવાથી આ કાર્યક્રમમાં માણવા પણ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અને છેલ્લા બે દિવસથી બપોર બાદ મોડી રાત સુધી ભાવિક ભક્તજનો મેળા ને મન ભરીને માણી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતભરમાંથી સાધુ સંતો ભવનાથના મેળામાં પહોંચ્યા છે અને ધૂણી ધખાવી ભગવાન ભોળીનાથની આરાધના તપ કરી રહ્યા છે ત્યારે આ સાધુ સંતોના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે.
બીજી બાજુ વર્ષોથી અન્નશ્રેત્ર અને ઉતારા મંડળ ચલાવતા સંચાલકો દ્વારા મેળાના પ્રથમ દિવસે દર વર્ષે આવતી સંખ્યા મુજબ મીઠાઈ, ફરસાણનો ભોજન પ્રસાદ બનાવેલ હતો, પરંતુ પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ ખાતે પહોંચતા અને અન્નશ્રેત્ર, ઉતારા મંડળના ભોજન પ્રસાદનો લાભ લેવા પહોંચતા અનેક ઉતારા મંડળમાં તૈયાર ભોજન પ્રસાદ ખૂટ્યા હતા. જો કે, કોઈ ભાવિકો ભૂખ્યા ના રહે તે માટે ઉતારા મંડળો દ્વારા તાત્કાલિક અને અવિરત ભોજન પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રખાઈ હતી.
આમ, જૂનાગઢનો ભવનાથનો જગવિખ્યાત મેળો જામ્યો છે અને પ્રથમ બે દિવસમાં જ લાખો લોકો ભવનાથના મેળામાં પહોંચતા આ વખતે પાંચ દિવસના ભવનાથના મેળામાં લગભગ 15 લાખથી વધુ લોકો મેળો માણવા પહોંચે તેવો પ્રથમ દિવસે અનુમાન થઈ રહ્યું છે.

મહાશિવરાત્રીના મેળામાં સેલ્ફી પોઇન્ટ્સ શ્રદ્ધાળુઓમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
ભવનાથ મહાશિવરાત્રીનો મેળોમાં રાજ્ય સરકારની પ્રયાસોથી આ વર્ષે ભવ્ય અને દિવ્ય બનવાની સાથે ઐતિહાસિક પણ બન્યો છે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો તેમની સાથે વિશેષ સ્મૃતિઓ લઈ જઈ શકે તે માટે સમગ્ર મેળાના રૂટ ઉપર આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવાની સાથે વિશેષ સુશોભનો કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરની સામે દત્ત ચોક ખાતે ભગવાનના શિવજીના પ્રતીક સમાન ભવ્ય શિવલિંગનો સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, ઉપરાંત સોરઠ સૌરાષ્ટ્ર ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી બળદ ગાડાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, ઉપરાંત ભારતીય સંસ્કૃતિના પ્રતીક ગ્રુપ ચિન્હો અને ભગવાન શિવજીની વિશાળ પ્રતિમાઓ પણ તૈયાર કરવામાં આવી છે. જ્યાં શ્રદ્ધાળુ -ભાવિકોએ તસવીરો લઈ પોતાની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી, આમ, ભવનાથના મેળામાં શ્રદ્ધા અને આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ