ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે રૂ.1.08 કરોડનો ચેક અર્પણ કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રી એ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો.
દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી.
1951 માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવા નો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ પણ થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પડકારને અવસરમાં પલટાવવાની વિકસાવેલી કાર્ય સંસ્કૃતિ સોમનાથ ટ્રસ્ટે આ અમૃત વર્ષ સુધીમાં શિવ ભક્તોની દાન સેવા અને જનભાગીદારીથી ચરિતાર્થ કરી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ પણાનાં સોમનાથ ટ્રસ્ટનો સોમનાથ દાદાના દર્શને આવેલો કોઈ ભક્ત ભૂખ્યો ન જાયનો ધ્યેય પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં નિ:શુલ્ક ભોજન પ્રસાદ સેવાથી સાકાર થયો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ અવસરે સોમનાથ ટ્રસ્ટે જિલ્લા વહિવટી તંત્રને ખાતરી આપી હતી કે ગમે એટલી સંખ્યામાં ભક્તો આવે, તેમની ભોજન વ્યવસ્થામાં કોઇ કમી નહીં રહે. દેશ ભરના ભક્તો-શ્રદ્ધાળુઓને વહિવટી તંત્રએ દિવસ-રાત ભંડારા ચલાવીને ભોજન પુરુ પાડ્યું હતું અને ભક્તોની સુવિધા માટે સેવાની સરવાણી વહાવી હતી. આ ભંડારા ના રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર ચાવડાએ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ