દિલ્હી AI ઇમ્પેક્ટ સમિટમાં અંધાધૂંધી:ખુદ કેન્દ્રીય મંત્રીએ માફી માગવી પડી

દુનિયાભરમાંથી આવેલા IT અને AI દિગ્ગજો સહિતના મહાનુભાવોને અત્યંત ખરાબ અનુભવ થયો

પ્રથમ દિવસે વડાપ્રધાનના આગમન પૂર્વે હજારો લોકોને પ્રવેશ માટે લાઇનમાં આવવું પડ્યું, સલામતીની વ્યવસ્થા પણ કંગાળ

પાટનગર દિલ્હીમાં હાલ ચાલી રહેલા દેશના સર્વ પ્રથમ એઆઇ એક્સ્પોમાં જબરી અંધાધૂંધી અને ગેર વ્યવસ્થા સર્જાતા અનેક મહાનુભાવો માટે આ એઆઇ ઇમ્પેક્ટ સમિટ અને એક્સ્પોની મુલાકાત લેવાનું અશક્ય બની ગયું હતું અને બાદમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે પણ મહાનુભાવોને મુશ્કેલી પડી હોવાનું સ્વીકારીને માફી માંગી છે. ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા આ એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં રાત્રીના અહીં સ્ટોલધારકોના સામાન પણ ચોરાયા હોવાનું બહાર આવ્યું છે. ભારત અને વિશ્ર્વભરમાંથી અંદાજે 35 હજાર જેટલા એઆઇ સાથે જોડાયેલા નિષ્ણાંતો અને કંપનીના અધિકારીઓ આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે અને સમીટની અંદર લાંબી લાઇનો આંતરીક રીતે જવા માટે યોગ્ય સાઇનબોર્ડનો અભાવ અને મોબાઇલ ક્વરેજ નહીં મળતા હોવાની પણ ફરિયાદ હતી. એટલું જ નહીં પાણી અને ભોજનની વ્યવસ્થા પણ અત્યંત ભાંગી પડી હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે આ ઇવેન્ટમાં ભાગ લેનાર અનેક ડેલીગેટ ર્સ્ટાટઅપ અને વીઆઇપીઓને અંદર પહોંચવા માટે લાંબી રાહ જોવી પડી હતી. ગ્રાઉન્ડ પરની સલામતીની વ્યવસ્થા પણ યોગ્ય ન હતી. સોશ્યલ મીડિયામાં આ અંગે ભારે ટીકા થઇ રહી છે તે બાદ કેન્દ્રના આઇટી મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવે સમગ્ર ગેર વ્યવસ્થા બદલ માફી માગી લીધી હતી. પ્રથમ દિવસ 70 હજાર જેટલા લોકો આ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં દુનિયાભરમાંથી જે રીતે એઆઇ નિષ્ણાંતો ભારત પહોંચ્યા હતા તેઓ પણ આ પ્રકારની વ્યવસ્થા જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. સોશ્યલ મીડિયામાં એ પણ લખાયું કે તેઓએ ઉંચા ભાડા અને હોટલના ખર્ચા સહિતના ખર્ચ કર્યા બાદ અને તેમના ડીજીટલ ઉપકરણો અને અન્ય ટેકનોલોજી દર્શાવતા સાધન-સામગ્રીઓ ભારત પહોંચાડ્યા હતા પરંતુ તેઓ યોગ્ય રીતે ડીસ્પ્લે કરી શક્યા નથી અને રાત્રિના સમયે અનેક સ્ટોલ ધારકોને તેમના વેરેબલ ડીવાઇઝ સહિતની સાધનો પણ ચોરાઇ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

અંતે બિલ ગેટ્સ AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે

પાટનગર દિલ્હીમાં ચાલી રહેલા એઆઇ સમિટમાં ભાગ લેવા માટે અંતે માઇક્રોસોફ્ટના વડા બીલ ગેટ્સ ભારત આવી રહ્યા છે. અગાઉ એપ્સસ્ટીન ફાઇલમાં તેમનું નામ ખુલતા તેમના આમંત્રણને સ્થગીત કરાયું હતું અને સરકાર તેના પર વિચારણા કરશે તેવા સંકેત હતો. પરંતુ હવે ભારત સરકાર તરફથી લીલીઝંડી મળી ગઇ છે અને તેઓ આ એઆઇ ઇમ્પેક્ટ સમીટમાં ભાગ લેવા ભારત પહોંચી રહ્યા છે. બીલ ગેટ્સે અગાઉ પોતાને બદનામ કરવા આ ફાઇલમાં નામ દર્શાવાયા હોવાનો આરોપ મુક્યો હતો.


રિલેટેડ ન્યૂઝ